Site icon Revoi.in

રાજ્ય સરકાર ગ્રંથપાલોની ભરતી કરવામાં ઉદાસિન કેમ ?

Social Share

અમદાવાદઃ રાજ્યની યુનિવર્સિટીઓ, કોલેજ અને શાળાઓમાં જ ગ્રંથપાલની સંખ્યાબંધ જગ્યાઓ  વર્ષોથી ખાલી છે. ઉપરાંત રાજ્યની અનુદાનિત કોલેજમાં છેલ્લા 22 વર્ષથી ગ્રંથપાલની ભરતી કરી નથી અને 80 ટકા જગ્યાઓ ખાલી છે, સરકારી કોલેજમાં 60 ટકા જગ્યાઓ ખાલી છે.  એન્જિનિયરિંગ કોલેજોમાં એકપણ ગ્રંથપાલ નથી 100 ટકા જગ્યા ખાલી છે.

રાજ્ય સરકારની 26 યુનિવર્સિટીમાં માત્ર 2 જ ગ્રંથપાલ UGC માન્ય બાકી બીજા ઇન્ચાર્જ, હંગામી ધોરણે, આસિસ્ટન્ટ દ્વારા ચલાવે છે. જ્યાં સંશોધન કાર્ય થતું હોય ત્યાં ગ્રંથપાલ જ ન હોય તો વિદ્યાર્થીની શું હાલત થાય તે સરકારને સમજાતું નથી. આમ લાયબ્રેરીઓમાં ગ્રંથપાલની અનેક જગ્યાઓ ખાલી હોવાથી અને સરકારના ઉદાસિન વલણ સામે અસંતોષ જોવા મળી રહ્યો છે.

નેશનલ નોલેજ કમિશનના રિપોર્ટ મુજબ ગુજરાતની 5600 શાળામાં ગ્રંથપાલની ભરતી કરી જ નથી. આ અંગે ઉચ્ચ શિક્ષિત બેરોજગાર ગ્રંથપાલ મંચ દ્વારા દેશના ગૃહપ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, નાણામંત્રી, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને રજૂઆત કરી છે. ગુજરાતનું ઉચ્ચ શિક્ષણ તદ્દન ખાડે ગયું તેવું NIRF (નેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્ક)ના રિપોર્ટ પર ખ્યાલ આવે છે. આ રિપોર્ટ મુજબ 1થી 200માં એકપણ ગુજરાતની કોલેજને સ્થાન મળ્યું નથી.

રાજ્યમાં છેલ્લા ઘણા વર્ષોથી ઉચ્ચશિક્ષણમાં અધ્યાપકો, ગ્રંથપાલ તેમજ પીટીઆઇની સરકાર ભરતી કરતી નથી તો જી-સ્લેટની પરીક્ષા દર વર્ષે શા માટે લેવામાં આવે છે. ગુજરાતનાં તમામ જિલ્લા, તાલુકામાંની જાહેર ગ્રંથાલયમાં મોટા ભાગની જગ્યાઓ ખાલી છે. યુનિવર્સિટીમાં જગ્યાઓ બહાર પાડે તો પાંચ-પાંચ વર્ષથી ભરતી પ્રક્રિયા કરી નથી, યુનિવર્સિટીના કુલપતિઓ આજ દિવસ સુધી ગ્રંથપાલની ભરતી અંગે કોઈ જ પ્રતિક્રિયા આપી શક્યા નથી. છેલ્લા 10 વર્ષમાં શિક્ષણમંત્રીને 70 જેટલા આવેદન પત્ર આપ્યા પરંતુ સ્થિતિ હજુ એજ છે.

Exit mobile version