Site icon Revoi.in

ગુજરાતની ચીફ સેક્રેટરી પદે અનિલ મુકિમને એક્સટેન્શન અપાશે કે કેમ ?

Social Share

ગાંધીનગરઃ ગુજરાત સરકારના ચીફ સેક્રેટરી અનિલ મુકિમનો કાર્યકાળ આગામી તા. 31મી ઓગસ્ટે પૂર્ણ થઈ રહ્યો છે, ત્યારે તેમને વધુ 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવે તેવી શક્યતા છે. મહત્વની ગણાતા ચીફ સેક્રેટરીના પદ માટે બે સિનિયર આઇએએસ ઓફિસરો વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે ત્યારે કેન્દ્રનો ઇશારો એવો છે કે , અનિલ મુકિમને વધુ છ મહિનાનું એક્સટેન્શન મળી શકે છે.

ગાંધીનગરના સચિવાલયના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના ચીફ સેક્રેટરી અનિલ મુકિમનો હાલનો ટેન્યોર 31મી ઓગષ્ટે પૂર્ણ થાય છે. તેઓ ઓગષ્ટ 2020માં વયનિવૃત્ત થતાં હતા પરંતુ રાજ્યની ભલામણના આધારે તેમને પ્રથમ છ મહિના અને ત્યારબાદ બીજા છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. હવે ત્રીજા એક્સટેન્સન માટેની તૈયારી ચાલી રહી હોવાનું કહેવાય છે.

કેન્દ્ર સરકાર જો અનિલ મુકિમને વધુ એક્સટેન્શન નહીં આપે તો ગુજરાતના ચીફ સેક્રેટરી પદ માટે 1986 બેચના ગુજરાત કેડરના સિનિયર ઓફિસર પંકજકુમાર નિયુક્ત થાય તેવી સંભાવના છે. તેઓ હાલ ગૃહ વિભાગમાં અધિક મુખ્યસચિવ તરીકેનો કાર્યભાર સંભાળી રહ્યાં છે. ગુજરાત સરકારની ભલામણ પ્રમાણે કેન્દ્ર સરકાર 1લી સપ્ટેમ્બર પહેલાં એટલે કે 30 કે 31 ઓગષ્ટે નવા ચીફ સેક્રેટરી તરીકેનો નિર્ણય લઇ શકે છે.

સચિવાલયના સૂત્રોએ ઉમેર્યુ હતું કે, હાલ ઉદ્યોગ વિભાગમાં અધિક મુખ્યસચિવ તરીકે ફરજ બજાવી રહેલા ડો. રાજીવકુમાર ગુપ્તા પણ પંકજકુમાર જેટલા સિનિયર ઓફિસર છે. તેઓ પણ 1986ની બેચના ગુજરાત કેડરના ઓફિસર છે તેથી તેમની ચર્ચા પણ ચાલી રહી છે. પંકજકુમાર અને રાજીવકુમાર ગુપ્તા એમ બન્ને ઓફિસરો મે 2022માં વયનિવૃત્ત થાય છે.

ચીફ સેક્રેટરીના પ્રબળ દાવેદાર એવા પંકજકુમારનું મૂળ વતન પટના-બિહાર છે. તેઓ આઇઆઇટી કાનપુરમાં સિવિલ એન્જીનિયરીંગ ફેકલ્ટીમાં બીટેક થયેલા છે. એ ઉપરાંત પબ્લિક પોલિસી અને મેનેજમેન્ટમાં તેમણે એમબીએ કર્યું છે. બીજી તરફ અલ્હાબાદ-ઉત્તરપ્રદેશના વતની એવા રાજીવકુમાર ગુપ્તા પોલિટીકલ સાયન્સમાં એમએ થયેલા છે. ઇન્ટરનેશન લો માં તેમણે પીએચડી કર્યું છે. યુનાઇટેડ નેશન્સ યુનિવર્સિટી, ટોક્યોમાં તેમણે ઇન્ટરનેશનલ ટ્રેડ અને એનવાયર્નમેન્ટલ ગવર્નન્સમાં સર્ટિફિકેટ કોર્સ કર્યો છે.