Site icon Revoi.in

ગુજરાતમાં પવનની દિશા બદલાતા તાપમાનમાં હવે ક્રમશઃ વધારો થશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં વૈશાખે તાપમાનનો પારો ઉપર જઈ રહ્યો હતો. ત્યાં જ વાવાઝોડાને લીધે વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. હવે ફરીવાર તાપમાનમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે.પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી દક્ષિણની થતાં અમદાવાદ સહિત મોટાભાગના વિસ્તારોમાં ગરમીમાં વધારો નોંધાયો છે. 40.6 ડિગ્રી સાથે ભુજમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. આગામી દિવસોમાં ગરમીમાં વધવાની આગાહી છે.

રાજ્યના હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું કે ગુજરાતમાં તાપમાનમાં વધારો થશે. અમદાવાદનું મહત્તમ તાપમાન 39 ડીગ્રીએ પહોંચી ગયું છે. જેને કારણે શહેરમાં વહેલી સવારથી ગરમીનું પ્રમાણ વર્તાયુ હતું. પરંતુ, બપોર સુધી ચાલુ રહેલા પવનને કારણે ગરમીથી રાહત રહી હતી. પરંતુ, બપોર પછી ઠંડા પવનોનું જોર ઘટતાં કાળઝાળ ગરમીથી લોકો પરસેવે રેબઝેબ થયા હતા. આગામી બેથી ચાર દિવસો દરમિયાન શહેરમાં ગરમીનું જોર યથાવત રહેવાની શક્યતા છે.

પવનની દિશા બદલાતા અમદાવાદ સહિત 9 શહેરોમાં ગરમીનો પારો 38થી 40 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. 40.6 ડિગ્રી સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું. ત્યારબાદ ગાંધીનગર 40.5, રાજકોટ 40.3, વલ્લભ વિધાનગર 40.0, અમરેલી 39.5, સુરેન્દ્રનગર 39.2, અમદાવાદ 38.4, કંડલા એરપોર્ટ 38.2 તેમજ કંડલા પોર્ટમાં 38.0 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. હજુ વૈશાખ અડધો મહિનો અને જેઠ મહિના દરમિયાન અસહ્યા ગરમી વેઠવી પડશે. જોકે હવામાન વિબાગના કહેવા મુજબ 15મી જુન બાદ મેઘરાજાનું આગમન થઈ જશે. એટલે હજું એક મહિનો તો ગરમીના દિવસો રહેશે. અને તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોચશે.