અમદાવાદઃ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં વધુ એક અકસ્માત લાલ દરવાજા વિસ્તારમાં સર્જાયો હતો. એક દંપતી એક્ટિવા પર સવાર થઈને લાલ દરવાજા તરફ દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે એસટી બસે એક્ટિવાને ટક્કર મારતા દંપતી રોડ પર પટકાયું હતું . જેમાં મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ બનાવને પગલે લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા. પોલીસે ઘવાયેલા મૃતક મહિલાના પતિને સારવાર માટે મોકલીને અકસ્માત મોતનો ગુનોં દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
અમદાવાદ શહેરમાં રોડ અકસ્માતોમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં એસજી હાઈવે બાદ વધુ એક અકસ્માત લાલદરવાજા વિસ્તારમાં નહેરૂબ્રીજ પાસે સર્જાયો હતો.. જેમાં એસટી બસ ડ્રાઈવરે એક્ટિવા પર જઈ રહેલાં એક દંપતીને અડફેટે લીધું હતું. એમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
ટ્રાફિક પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સોલા વિસ્તારમાં રહેતાં મનુભાઈ પટેલ અને તેમનાં પત્ની વીણાબેન એક્ટિવા પર લાલ દરવાદજા દર્શન કરવા જતાં હતાં. આ દરમિયાન તેઓ નેહરુબ્રિજથી લાલદરવાજા તરફ જઈ રહ્યાં હતાં. ત્યારે પૂરઝડપે આવી રહેલી એસટીએ તેમના એક્ટિવાને અડફેટે લીધું હતું. જેથી દંપતી રોડ પર પટકાયુ હતુ. અને એસટીનું ટાયર વીણાબેન પર ફરી વળતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ટ્રાફિક-પોલીસ આ ઘટનાને બે દિવસ પસાર થયા હોવા છતાં એસટી બસનો ડ્રાઈવર પકડાયો નથી.
શહેરમાં છેલ્લા સપ્તાહમાં અકસ્માતના અનેક બનાવો બન્યા છે. તાજેતરમાં નારોલનું દંપતી તેમનાં બે બાળકોને લઇને રિવરફ્રન્ટ હાઉસની સામે આવેલા પાર્કિગમાં રમી રહ્યાં હતાં. સાંજના પાંચ વાગ્યાના સમયે દંપતીના અઢી વર્ષના બાળકને અજાણી કારે ટક્કર મારી હતી અને કારચાલક ભાગી ગયો હતો. તેના પિતાએ કારચાલકનો પીછો કર્યો, પરંતુ તે તેને પકડી શક્યા ન હતા. ઇજાગ્રસ્ત બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઉપરાંત એસજી હાઇવે પર ઝાયડસ બ્રિજ પર વહેલી સવારે એક્ટિવા અને ડમ્પર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ડમ્પરની પાછળના ભાગમાં એક્ટિવા અથડાતાં અકસ્માત સર્જાયો હતો. આ બનાવમાં એક્ટિવાચાલક વિદ્યાર્થિનીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યુ હતું.