Site icon Revoi.in

સોલા સિવિલ હોસ્પિટલમાંથી બાળકીને ઉઠાવી જનારી મહિલા પકડાઈ, પોલીસે બાળકી પરિવારને સોંપી

Social Share

અમદાવાદઃ શહેરના સોલા સિવિલ હોસ્પિટલમાંથી સાત દિવ પહેલા એક દિવસની નવજાત બાળકીને કોઈ ઉઠાવી ગયું હતું. ઘટના બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી, સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે પોતાના બાતમીદારોની મદદથી બાળકીનું અપહરણ કરનારી મહિલાને જુહાપુરા વિસ્તારમાંથી ઝડપી પાડી છે. પોલીસે મહિલા પાસેથી બાળકી લઈ પરિવારને સોંપી દીધી છે તેમજ મહિલા વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે. મહિલાને બાળક ન થતું હોવાથી બાળકીને ઉઠાવી હતી.

આ બનાવની વિગતો એવી હતી કે, સરસ્વતી રાજેન્દ્ર પાસી મૂળ અમેઠીના વતનીએ પોલીસને જાણ કરી હતી કે તેમણે 31 ઓગસ્ટે બાળકીને જન્મ આપ્યો હતો. તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં ત્રીજા માળે સ્થિત PNB વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. બીજી સપ્ટેમ્બરે મધરાતે અઢીથી ત્રણ વાગ્યાના સુમારે કોઈ અજાણી વ્યક્તિ તેમની એક દિવસની બાળકીનું અપહરણ કરીને લઈ ગઈ હતી. હોસ્પિટલના વોર્ડમાંથી બાળકીનું અપહરણ થતાં હોસ્પિટલમાં સિક્યોરિટી અને બાળકોની સલામતી સામે સવાલો ઊભા થયા હતા. જ્યારે પોલીસે બાળકીના ફોટો વહેતો કરીને તેને શોધવા માટે ખાસ ટીમ બનાવી હતી. એ ઉપરાંત હોસ્પિટલમાં પણ અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવેલા CCTV કેમેરા દ્વારા બાળકીને લઈ જનારને શોધવા માટે વિગતો મગાવવામાં આવી હતી. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને બાળકીની શોધખોળ શરૂ કરી દીધી હતી. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ હતી. બે પીઆઇ અને તેમની ટીમ તેમજ સોલા પોલીસ સ્ટેશનના 70 જેટલા પોલીસકર્મીઓ આખા વિસ્તારમાં સીસીટીવી અને અલગ અલગ હ્યુમન એનાલિસિસ કરી બાળકીની શોધખોળ કરી રહ્યા હતા. અંતે બાળકીને ઉઠાવી જનાર મહિલા જુહાપુરામાંથી પકડાઈ હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જુહાપુરામાં રહેતી નગમા નામની મહિલાના લગ્નને 7 વર્ષ થયાં હતાં, જેમાં તેને કોઇ બાળક ન હતું, જેથી તે અલગ અલગ જગ્યાએ હોસ્પિટલમાં નવજાત બાળકને ઉઠાવી જવા માટે પ્લાન કરતી હતી. આ દરમિયાન નગમા બનાવના દિવસે સોલા સિવિલ હોસ્પિટલ ગઈ હતી, જ્યાં એક દિવસની બાળકી મળી આવી હતી, તેને લઈને ત્યાંથી નીકળી ગઈ હતી. ત્યાર બાદ બાળકીને શોધવા માટે સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરેક એંગલ પર તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને નગમા નામની મહિલા પાસે બાળકી હોવાની એક બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે તપાસ કરી અને નગમાના ઘરની આસપાસ બાતમીદરનું નેટવર્ક ગોઠવ્યું અને સોલામાંથી ગુમ થયેલી બાળકી જ હોવાની ખરાઈ કર્યા બાદ તેને બચાવી લેવાઈ છે.