Site icon Revoi.in

મહિલા દિવસ વિશેષઃ અંગદાન માનવતાની સર્વોત્તમ સેવા અને સાચું ‘મહાદાન’ છે: રિવાબા જાડેજા

Women's Day Special

Women's Day Special

Social Share

અમદાવાદ, 8 માર્ચ, 2026 – Women’s Day Special આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શેલ્બી હોસ્પિટલ્સ દ્વારા અમદાવાદ ખાતે AMAમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગઈકાલે શનિવારે આયોજિત આ કાર્યક્રમમાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા અને જાણીતી ગાયિકા સુશ્રી કિંજલ દવે ઉપસ્થિત રહ્યાં હતાં.

“She gave life beyond life” થીમ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં એવી પ્રેરણાદાયી મહિલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમણે અંગદાનના નિઃસ્વાર્થ નિર્ણય દ્વારા અનેક પરિવારોને નવજીવન આપ્યું છે.

આ અવસરે મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા તથા ગાયિકા કિંજલ દવેના હસ્તે અંગદાતા મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

women organ donors felicitated on International Women’s Day

આ કાર્યક્રમને સંબોધતા મંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે સાચો વારસો ભૌતિક સંપત્તિ કે બેંક બેલેન્સથી નહીં, પરંતુ આવનારી પેઢીઓને આપેલા સદ્‍ગુણો અને મૂલ્યો દ્વારા રચાય છે. તેમણે જણાવ્યું હતું કે મહિલાઓની નિઃસ્વાર્થ સેવા, સંવેદના અને સમર્પણભાવ સમાજ માટે પ્રેરણારૂપ છે. અંગદાન દ્વારા એક જીવનનો અંત અનેક જીવનોમાં નવી આશા પ્રગટાવે છે.

આ પણ વાંચોઃ મોટી હોસ્પિટલોમાં બ્રેઈનડેડ ડિક્લેરેશન થતું નથી, જે અંગદાન પ્રવૃત્તિમાં અવરોધકઃ દિલીપભાઈ દેશમુખ

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે અંગદાન જેવી માનવતાવાદી પહેલોને પ્રોત્સાહન આપીને અને સેવા સેતુ જેવા જનસંપર્ક કાર્યક્રમો દ્વારા સરકારની કલ્યાણકારી યોજનાઓ તથા સહાય જરૂરીયાતમંદ લોકો સુધી પહોંચાડવા માટે સૌએ સહભાગી થવું જોઈએ.

આ પ્રસંગે ગાયિકા સુશ્રી કિંજલ દવેએ જણાવ્યું હતું કે સંગીતના મંચ દ્વારા કલા પીરસવી એ તેમનો વ્યવસાય છે, પરંતુ સમાજ માટે કામ કરવાની તક મળે ત્યારે સાચો સંતોષ અનુભવાય છે. અંગદાન અંગે જાગૃતિ ફેલાવીને વધુને વધુ જીવન બચાવવાનો સંકલ્પ લેવો જરૂરી છે.

આ પણ વાંચોઃ પદ્મશ્રી નિલેશભાઈ માંડલેવાલા સાથે REVOIની ખાસ વાતચીતઃ જાણો અંગદાન વિશે શું કહ્યું?

અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખે જણાવ્યું હતું કે વર્ષ 2020માં અંગ પ્રત્યારોપણના કારણે તેમને નવું જીવન મળ્યું છે. તેમણે સૌને અંગદાન અંગે જાગૃતિ ફેલાવવા અને આ માનવતાવાદી અભિયાન સાથે જોડાવા અપીલ કરી હતી.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અંગદાતા મહિલાઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version