Site icon Revoi.in

માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન અને જિલ્લા શિક્ષણાધિકારી, ભરૂચ દ્વારા ‘છંદશિક્ષણ’ વિશે કાર્યશાળા યોજાઈ

Workshop on 'Chhand Shikshan' organized by Matrubhasa Gaurav Pratishthan and District Education Officer, Bharuch

Workshop on 'Chhand Shikshan' organized by Matrubhasa Gaurav Pratishthan and District Education Officer, Bharuch

Social Share

ભરૂચ, 3 ઓગસ્ટ, 2026 – માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, ભરૂચના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં ‘છંદશિક્ષણ’ જેવા ગુજરાતી ભાષાના ખૂબ અગત્યના અંગ વિશે પૂર્ણદિવસીય કાર્યશાળાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યશાળામાં પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના કુલ ૧૪૩ શિક્ષકો સહભાગી થયા હતા.

કાર્યશાળાનો પ્રારંભ ‘મૈત્રીભાવનું પવિત્ર ઝરણું…’ પ્રાર્થનાના ભાવાત્મક ગાન સાથે થયો હતો. ત્યારબાદ ઝેનિથ હાઈસ્કૂલના આચાર્યશ્રી તથા ભરૂચના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સ્વાતિબા રાઉલજી દ્વારા કાર્યશાળાના વક્તા ડૉ. પ્રવીણભાઈ સલિયા (પ્રાધ્યાપકશ્રી, સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કૉલેજ, કાછલ)નું પુષ્પગુચ્છ અને શબ્દોથી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાર્યશાળામાંથી મેળવેલું જ્ઞાન વર્ગખંડ સુધી પહોંચાડવા હાકલ

કાર્યશાળાના પ્રારંભે આદરણીય સ્વાતિબા રાઉલજીએ પ્રાસંગિક ઉદ્બોધનમાં કાર્યશાળાના હેતુથી સૌને માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે સાહિત્યની સાથે સંગીત, અધ્યાત્મ, સંસ્કાર અને સંસ્કૃતિ વણાયેલાં છે. બાળક ઘર પછી સૌથી વધુ સમય શાળામાં વિતાવે છે, તેથી બાળકના ઘડતરમાં શિક્ષકની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ વિદ્યાર્થી પુસ્તકીય જ્ઞાન સાથે વ્યવહારુ અને વ્યાવસાયિક જ્ઞાન મેળવે તે જરૂરી છે. તેમણે ઉપસ્થિત તમામ શિક્ષકોને માતૃભાષાના પ્રહરી બનવાનો સંકલ્પ લઈ, કાર્યશાળામાંથી મેળવેલું જ્ઞાન પોતાના વર્ગખંડ સુધી પહોંચાડવા હાકલ કરી હતી.

આજની આ કાર્યશાળાનો મુખ્ય વિષય ‘છંદશિક્ષણ’ હતો. વક્તા ડૉ. પ્રવીણભાઈ સલિયા સાહેબે વૈદિક પરંપરા મુજબ મંગલાચરણથી સત્રની શરૂઆત કરી હતી. તેમણે વૈદિક કાળથી લખાતા છંદના શાસ્ત્રીય ગ્રંથોનો પરિચય આપ્યો હતો. છંદોબદ્ધ કાવ્યના પઠન વખતે આવતાં યતિસ્થાન અને પઠન-ગાન વખતે ધ્યાનમાં રાખવાની વિગતો પર તેમણે ઝીણવટભર્યો પ્રકાશ પાડ્યો હતો. ​આ ઉપરાંત, તેમણે અક્ષરમેળ અને માત્રામેળ છંદોના ભેદ, બંધારણ તેમજ લગાત્મક રૂપોનું ગાન કરાવીને એક જ છંદ અલગ-અલગ ઢાળમાં કેવી રીતે ગાઈ શકાય તે સરળ શૈલીમાં દૃષ્ટાંતો આપીને સમજાવ્યું હતું.

વિવિધ છંદનું રસપાન

​કાર્યશાળા દરમિયાન ગાયત્રી, અનુષ્ટુપ, ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્રવજ્રા, ઇન્દ્રવંશા, ઉપજાતિ, મિશ્રોપજાતિ, દ્રુતવિલંબિત, તોટક, ભુજંગી, વસંતતિલકા, માલિની, નારાચ, મંદાક્રાંતા, શિખરિણી, પૃથ્વી, હરિણી, મનહર, દોહરો, ચોપાઈ, હરિગીત, ઝૂલણા, સવૈયા, કટાવ, સોરઠિયા દુહા, ચર્ચરી, ત્રિભંગી અને ગુલબંકી જેવા વિવિધ છંદોના રસપાનથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

આ પણ વાંચોઃ ભરૂચમાં યોજાયું “માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન”નું વાર્ષિક અધિવેશન

​દરેક છંદનું બંધારણ, લગાત્મક રૂપ અને તેનું ગાન-પઠન ઉપસ્થિત શિક્ષકો પાસે પ્રત્યક્ષ કરાવવામાં આવ્યું હતું. સંસ્કૃત શ્લોક, સ્તોત્ર, પ્રાચીન લોકઢાળ, લોકગીતો અને પ્રશિષ્ટ રચનાઓના ભાવવાહી પઠન-ગાન દ્વારા ભાષાપ્રેમીઓને છંદની દુનિયામાં વિહાર કરાવ્યો હતો. શિક્ષકસજ્જતાના ઉદ્દેશ્યથી પ્રાથમિક તેમજ માધ્યમિક કક્ષાના પાઠ્યપુસ્તકોમાં સમાવિષ્ટ કાવ્યરચનાઓને ગાયન દ્વારા રજૂ કરી શિક્ષકોને પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા.

​સમગ્ર કાર્યશાળા દ્વિમાર્ગીય રહી હતી, જેમાં વર્ગકાર્ય દરમિયાન શિક્ષકોને મૂંઝવતાં પ્રશ્નો અને સમસ્યાઓનું યોગ્ય માર્ગદર્શન અને સમાધાન પૂરું પાડવામાં આવ્યું હતું.

કાર્યશાળાને અંતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સ્વાતિબા રાઉલજી દ્વારા શિક્ષકોના પ્રતિભાવો લેવામાં આવ્યા હતા. તેમણે આગામી કાર્યશાળાના આયોજન અને નિયમિતતા અંગે જરૂરી ટકોર કરી આજના સફળ સત્રને પૂર્ણ જાહેર કર્યું હતું.

આ પૂર્ણદિવસીય કાર્યશાળાના માધ્યમથી ઉપસ્થિત તમામ શિક્ષકો સરળતાથી છંદશિક્ષણ સમજી શક્યા અને પોતાની વ્યાવસાયિક તેમજ વિષયગત સજ્જતામાં વધારો કરી શક્યા.

(અહેવાલ: વર્ષાબહેન પટેલ. ઝઘડિયા, જિ. ભરૂચ)

Exit mobile version