Site icon Revoi.in

વિદ્યા સમીક્ષા કેન્દ્રની વર્લ્ડ બેન્કના પ્રમુખ અજય બાંગા અને USAના જેનેટ યેલન આજે મુલાકાત લેશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં G20 અંતર્ગત આર્થિક મુદ્દાઓની ચર્ચા અને નીતિઓના સમન્વય માટે વૈશ્વિક મંચ G20 દેશોના પ્રતિનિધિઓનું ગુજરાતમાં આગમન થયું છે. G20ની ચર્ચામાંથી પોતાનો અમૂલ્ય સમય ફાળવીને ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે થઇ રહેલી ઉત્કૃષ્ઠ કામગીરીનો અભ્યાસ કરવા માટે USAના સેક્રેટરી ઓફ ટ્રેઝરી (નાણા મંત્રી) જેનેટ યેલન તેમજ વર્લ્ડ બેન્કના પ્રેસિડેન્ટ અજય બાંગા આજે તા.16મી જુલાઈને રવિવારે મુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન મહાનુભાવો અને તેમની ટીમ રાજ્ય સરકારના મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલેન્સ: GOAL પ્રોજેક્ટ અંતર્ગત થઇ રહેલી વિશિષ્ટ કામગીરી તેમજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતેથી થઇ રહેલા ઓનલાઈન રીયલ ટાઇમ મોનીટરીંગની વિગતો મેળવશે અને તેનું નિદર્શન પણ કરશે.

ગુજરાતમાં હંમેશા શિક્ષણ ક્ષેત્રે નવા શૈક્ષણિક સુધારાઓ અમલમાં મૂકી રાજ્યના શૈક્ષણિક સ્તરને સુધારવા માટે રાજ્ય સરકાર હરહંમેશથી કટિબદ્ધ છે. સ્કૂલિંગ સુનિશ્ચિત કર્યા બાદ દરેક બાળકનું લર્નિંગ પણ સુનિશ્ચિત કરવાના ધ્યેય સાથે શ્રેણીબધ્ધ શૈક્ષણિક ગુણવત્તા સુધારણાના પગલાંઓ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. ઉત્તમ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી રાજ્યમાં 6 વર્ષમાં આશરે રૂ.12,500 કરોડ એટલે કે 1.5 બિલિયન ડોલરના ખર્ચે “મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ” હાથ ધરાશે.  આગામી  6 વર્ષમાં તમામ સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ શાળાઓ મળી કુલ આશરે 40,000 મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ હેઠળ લાભાન્વિત કરવામાં આવશે. આ શાળાઓ પૈકી 20,000 શાળાઓને ઉત્કૃષ્ટ બનાવવા વિશ્વકક્ષાની માળખાકીય સુવિધાઓ અને શૈક્ષણિક સવલતો પુરી પાડી સ્કૂલ્સ ઓફ એક્સેલન્સમાં પરિવર્તિત કરવામાં આવશે. આ શાળાઓમાં કુલ 50,000 નવા વર્ગખંડોનું નિર્માણ 1,50,000 વર્ગખંડોમાં સ્માર્ટ ક્લાસની સુવિધા, 20,000 નવી કમ્પ્યુટર લેબ, 5,000 સ્ટેમ લેબ / ટીકરીંગ લેબ વિગેરેનું અમલીકરણ કાર્ય પ્રગતિમાં છે, જેના થકી 6 વર્ષમાં રાજ્યના 85%થી વધુ વિદ્યાર્થીઓને સીધો ફાયદો થશે.

રાજ્યના આ અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટને આંતરરાષ્ટ્રીય નાણા સંસ્થાઓ વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રકચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) દ્વારા એક બિલિયન યુ.એસ. ડોલર એટલે કે લગભગ રૂ. 8,300 કરોડથી વધુનું ફંડિંગ કરવામાં આવ્યુ છે. વર્લ્ડ બેંક દ્વારા શિક્ષણ ક્ષેત્રે સમગ્ર ભારતમાં અત્યાર સુધીનું સૌથી મોટું ફંડિંગ ‘મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ’ માટે કરવામાં આવ્યું છે. તેમજ એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) સમગ્ર વિશ્વમાં શિક્ષણ ક્ષેત્રે પ્રથમવાર આ પ્રકારનો પ્રોજેક્ટ ગુજરાતના શિક્ષણ વિભાગ સાથે કરી રહી છે.

વિદ્યા સમીક્ષા કેન્દ્ર એ દેશનું સર્વપ્રથમ શાળા શિક્ષણ માટેનું રીયલ ટાઈમ, ઓન લાઈન સર્વગ્રાહી મોનીટરીંગ માટેનું કેન્દ્ર છે. આ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં શાળા શિક્ષણના તમામ ઈનીશીયેટિવ્સના ના દર વર્ષે લગભગ 500 કરોડ કરતાં વધારે ડેટા સેટનું એકત્રીકરણ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થીઓનો ધોરણ-અનુરૂપ અભ્યાસનું પરિણામ વધારે સારું બને તે માટે બિગ ડેટા એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ખૂબ મોટા  ડેટાનું અર્થપૂર્ણ એનાલિસિસ કરવામાં આવે છે તથા School Education Dashboard દ્વારા રાજ્ય >જિલ્લો > બ્લોક > ક્લસ્ટર > શાળા> ધોરણ > વિષય > વિદ્યાર્થી એમ સર્વસ્તરીય રીયલટાઇમ ઓનલાઇન મોનિંટરીગ કરવામાં આવે છે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે રાજ્યના તમામ 1.15 કરોડ વિદ્યાર્થીઓની તેમજ તમામ 4 લાખ જેટલા શિક્ષકોની દૈનિક ઑનલાઇન હાજરી નોંધવામાં આવે છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા એકમ કસોટી, સત્રાંત અને વાર્ષિક પરીક્ષા લેવામાં આવે છે આ પરિક્ષાઓના પરિણામ સ્વરૂપ દરેક વિષય અને દરેક વિદ્યાર્થી-દીઠ Learning-Outcomes આધારીત Student Report Card આપનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે અને અત્યાર સુધીમાં લગભગ 17 કરોડ જેટલા Student Report Card આપવામાં આવ્યા છે.