Site icon Revoi.in

હત્યાના કેસમાં આરોપી રેસલર સુશીલ કુમારની દિલ્હીથી અટકાયત

Social Share

દિલ્લી: ઘણા દિવસોથી હત્યાના કેસમાં ફરાર રહેલા ઓલિમ્પિક મેડલ વિજેતા અને કુસ્તીબાજ સુશીલ કુમારની દિલ્હી પોલીસે અટકાયત કરી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા રેસલર સુશીલ કુમારની અટકાયત કરવામાં આવી છે, પ્રાપ્ત માહિતી મુજબ, સ્પેશિયલ સેલે સુશીલના સાથીની પણ અટકાયત કરી છે.

હત્યાના કેસમાં આરોપી કુસ્તીબાજ સુશીલ કુમારની ધરપકડ કરવા પોલીસે પંજાબના ભટિંડા, મોહાલી સહિતના અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા હતા. દિલ્હીમાં પણ દિલ્હી પોલીસે અનેક જગ્યાએ દરોડા પાડ્યા, પરંતુ સુશીલ કુમાર પકડાયો નહીં. ગઈકાલે સતત અફવા ચાલી રહી હતી કે, સુશીલ કુમારની પંજાબમાંથી ધરપકડ કરવામાં આવી છે.

માહિતી મુજબ, રેસલર સુશીલ કુમાર વિવિધ નંબરોથી તેના નજીકના મિત્રો સાથે સંપર્કમાં હતો. દિલ્હી પોલીસની ઘણી ટીમો કુસ્તીબાજ સુશીલ કુમારની શોધમાં હતી. પરંતુ આખરે દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે તેને દિલ્હીથી જ ધરપકડ કરી છે.

દિલ્હી પોલીસે સુશીલ કુમાર પર 1 લાખનું ઇનામ જાહેર કર્યું હતું, જ્યારે તેના સાથી અજય પર 50 હજારનું ઇનામ જાહેર કરાયું હતું. ઇન્સ્પેક્ટર શિવકુમાર અને ઇન્સ્પેક્ટર કર્મબીરની આગેવાની હેઠળના સ્પેશિયલ સેલે સુશીલ કુમારની ધરપકડ કરી છે, આ ટીમની દેખરેખ એસીપી અત્તર સિંહે કરી હતી.

સુશીલ કુમાર પર દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં 23 વર્ષીય રેસલર સાગર રાણાની હત્યા કરવાનો આરોપ છે. દિલ્હી પોલીસના કહેવા મુજબ, લોકડાઉન થયા બાદ કુસ્તીબાજ સુશીલ, લારેંસ અને કાલા જખેડી ગેંગના બદમાશોને સાથે લઇને સ્ટેડિયમમાં પ્રવેશ્યો. જેમાં એક રેસલર સાગર રાણાની હત્યા કરાઈ હતી.