Site icon Revoi.in

ઝૂ અને જંગલના સિંહોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે તકેદારી રાખવા તાકિદ

Social Share

અમદાવાદઃ કોરોનાનું સંક્રમણ માનવીને જ નહીં પણ પ્રાણીઓને પણ થઈ શકે છે. તાજેતરમાં હૈદરાબાદના નહેરુ ઝૂઓલોજીકલ પાર્કમાં 8 એશિયાઇ સિંહ કોરોના પોઝિટિવ આવ્યા હતા  ત્યારે એશિયાઇ સિંહોનું ઘર એવા ગુજરાતમાં જંગલ વિસ્તાર અને ઝૂમાં રહેલા તમામ સિંહમાં કોરોના લક્ષણો અંગે ઓબ્ઝર્વેશન રાખવા જંગલના ટ્રેકર્સ અને ઝૂના કેર ટેકર્સને સૂચના આપવામાં આવી છે. ઝૂના વેટરનરી ડોક્ટર્સને પણ આ બાબતે સાવચેત રહેવાની તાકિદ કરવામાં આવી છે.

વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, હૈદરાબાદ ઝૂમાં સિંહ કોરોના સંક્રમિત થવાના બનાવ બાદ  વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.  કેન્દ્ર સરકાર દ્વારા પણ આ મામલે એડવાઇઝરી મોકલવામાં આવી છે. રાજ્યમાં જૂનાગઢ સક્કરબાગ, કેવડિયા સરદાર પાર્ક, અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિત 8 જેટલા મોટા ઝૂમાં સિંહ અને અન્ય પ્રાણીઓનું ઓબ્ઝર્વેશન કરવા તેમજ કેર ટેકર્સ અને સ્ટાફના આરટીપીસીઆર ટેસ્ટ કરવા જણાવવામાં આવ્યું છે. ટેસ્ટ રીપોર્ટ ન આવે ત્યાં સુધી અને કોઇ સ્ટાફને લક્ષણો હોય તો પ્રાણીઓથી દૂર રહેવા સૂચના આપવામાં આવી છે. તમામ ઝૂમાં સેનિટાઇઝેશન માટે તાકીદ કરવામા આવી છે.  જંગલ વિસ્તારમાં સંક્રમણની શક્યતા ઓછી હોય છે પરંતુ સિંહ રેવન્યુ વિસ્તારમાં પણ ફરતા હોવાથી વન વિભાગના ટ્રેકર્સને પણ સિંહની વર્તણૂંક, ખાંસી આવવી કે નાકમાંથી પાણી નીકળતું હોય, ખોરાક ન લેતા હોય તેવા કોઇ લક્ષણો જણાય તો તાત્કાલિક ઉપરી અધિકારીને જાણ કરવા સૂચના આપવામા આવી છે.

હૈદરાબાદના પ્રાણી સંગ્રહાલયમાં કોરોનાનાં લક્ષણો જણાતા સિંહના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે, પરંતુ ગુજરાતમાં સિંહના ટેસ્ટ કરવા માટેની કિટ કે અન્ય કોઈ વ્યવસ્થા નથી. જોકે લક્ષણો નહીં જણાય ત્યાં સુધી સિંહના ટેસ્ટ કરવામાં નહીં આવે તેવું સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલમાં ઓબ્ઝર્વેશન અને સ્ટાફના ટેસ્ટ માટેની સૂચના વન વિભાગ દ્વારા આપવામાં આવી છે.