Site icon Revoi.in

ગુજરાતઃ ખેલ મહાકુંભ 2.0માં 4 નવીન રમતોનો ઉમેરો કરાયો

Social Share

ગાંધીનગરઃ રાજ્યના રમત-ગમત મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં ખેલ મહાકુંભ અંગે જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભ 2.0માં 4 નવીન રમતોનો ઉમેરો કરાયો છે અને એક ખેલાડી બે રમતમાં ભાગ લઇ શકે છે. વધુમાં ખેલ મહાકુંભમાં વિજેતા ખેલાડીઓને મળતા રોકડ પુરસ્કારની રકમ પણ વધારવામાં આવી છે.

વિધાનસભામાં ઇન-સ્કુલ શાળાઓ અને રાજ્યના ખેલાડીઓની રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રદર્શનના જવાબમાં તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં  ઇન સ્કુલ શાળાઓ,DLSS, શક્તિદુત જેવી યોજનાઓ અને ખેલ મહાકુંભના આયોજનના પરિમાણે રાજ્યના દુર-સૂદુર અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા ખેલાડીઓની પ્રતિભા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાગર થઈ છે. આજે ગામ અને તાલુકા સ્તરની સ્પર્ધામાં પોતાની પ્રતિભા ઉજાગર કરીને ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી ગુજરાત અને ભારત દેશનો ડંકો વગાડી રહ્યો છે.

ગીર સોમનાથ જિલ્લાના સંદર્ભમાં મંત્રીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ખેલ મહાકુંભ 2.0 માટે ગીર સોમનાથ જિલ્લામાં 1.33 લાખથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. અગાઉ પણ ટેલેન્ટ પુલ અને ઇન સ્કુલ ના કારણે ગીર સોમનાથ જિલ્લાના 5 જેટલા ખેલાડીઓએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના મેડલ પ્રાપ્ત કર્યા છે.  વિધાનસભામાં રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ ગર્વભેર જણાવ્યું હતું કે, ‘ખેલ મહાકુંભ’ના પરિણામે ગુજરાતથી રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ તૈયાર થયા છે, જે ખૂબ ગૌરવપૂર્ણ બાબત છે.