Site icon Revoi.in

પ્રજાસત્તાક દિન 2019: વિશ્વએ જોઈ ભારતની સ્ત્રી શક્તિ

Social Share

આજે ભારતના 70માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી છે. ભારતે દુનિયાને આજે ઝાંખીઓ અને પરેડના માધ્યમથી પોતાની શક્તિનો નમૂનો દેખાડયો છે. આ શક્તિનું પ્રદર્શન દુશ્મનોને એ દેખાડવા માટે પુરતું છે કે આપણે કોઈનાથી પણ ઉતરતા નથી. તેની સાથે ભારતની સૈન્ય શક્તિ દુશ્મોના દાંત ખાટા કરવા માટે સક્ષમ છે. આ વર્ષે પણ પ્રજાસત્તાક દિનની પરેડમાં નારી શક્તિની ઝલક જોવા મળી હતી. લેફ્ટિનેન્ટ ભાવના કસ્તૂરી પુરુષોની સૈન્ય ટુકડીનું પરેડમાં નેતૃત્વ કરનારા પહેલા મહિલા સૈન્ય અધિકારી બન્યા છે. તેમના સિવાય જે મહિલાઓએ પરેડમાં નેતૃત્વ કર્યું, તેની પણ એક ઝલક જોઈએ.

લેફ્ટિનેન્ટ ભાવના કસ્તૂરીએ આજે રાજપથ પર ઈતિહાસ રચ્યો છે. તેમણે ભારતીય સેનાની સર્વિસ કોર્પ્સનું નેતૃત્વ કર્યું છે. રસપ્રદ વાત એ છે કે આ માર્ચિંગ કન્ટિનજેન્ટમાં લેફ્ટિનેન્ટ ભાવના કસ્તૂરી સિવાય કોઈ અન્ય મહિલા જવાન સામેલ ન હતી. તેઓ ભારતના ઈતિહાસમાં આમ કરનારા પહેલા મહિલા બન્યા છે.

મેજર ખુશ્બૂ કંવરે આજે આસામ રાઈફલ્સના કન્ટિનજન્ટનું નેતૃત્વ કર્યું છે. પ્રજાસત્તાક દિવસની પરેડમાં સામેલ થઈને આ વખતે દેશની સૌથી જૂની પેરામિલિટ્રી ફોર્સ આસામ રાઈફલ્સે ઈતિહાસ રચ્યો છે. મેજર ખુશ્બૂ કંવર એક બાળકના માતા પણ છે.

રોર્પ્સ ઓફ સિગનલ્સના કેપ્ટન શિખા સુરભિએ પોતાની ટીમના સાથીદારો સાથે પ્રજાસત્તાક દિનના કાર્યક્રમમાં બાઈક સ્ટંટનું પ્રદર્શન કર્યું હતું. તેમણે કહ્યું છે કે તેઓ પરેડના ડેયરડેવિલ સેગમેન્ટમાં સામેલ થનારા પહેલા મહિલા સૈન્ય અધિકારી છે. સ્ટંટ કરવા માટે તેમને ઘણી પ્રેક્ટિસ કરવી પડી. તેમને પોતાની આ સિદ્ધિ પર ગર્વ છે. મહિલાઓ કંઈપણ કરી શકે છે. 28 વર્ષીય કેપ્ટન શિખા સુરભિ ઝારખંડના હજારીબાગના છે.

લેફ્ટિનેન્ટ અંબિકા સુધાકરણને ભારતીય નૌસેનાના કન્ટિનજેન્ટનું નેતૃત્વ કર્યું હતું. તેમની ટુકડીમાં 144 સેલરો હતા. તેમણે કહ્યુ છે કે રાષ્ટ્રની સેવા માટે પુરુષો અને મહિલાઓએ ખભેખભો મિલાવીને ચાલવું પડશે.