Site icon Revoi.in

ભારતીય પાસપોર્ટ ઉપર 57 દેશમાં પ્રવાસ કરવા નહીં જરુર પડે વિઝાની

Social Share

નવી દિલ્હીઃ ભારતનો પાસપોર્ટ હવે મજબૂત બન્યો છે. હેનલી પાસપોર્ટ ઈન્ડેક્સના રિપોર્ટ અનુસાર હવે સમગ્ર વિશ્વમાં ભારતીય પાસપોર્ટની કિંમત વધી ગઈ છે. 2022 ની સરખામણીમાં, તેના રેન્કિંગમાં પાંચ પોઈન્ટનો સુધારો જોવા મળ્યો છે. હવે ભારતનો પાસપોર્ટ 80માં સ્થાને છે. ભારતીય પાસપોર્ટ 57 દેશોમાં વિઝા વિના મુસાફરી કરવાની મંજૂરી આપે છે.

ટોગો અને સેનેગલ દેશોએ પણ ભારતીય પાસપોર્ટ પર વિઝા ફ્રી એન્ટ્રીને મંજૂરી આપી છે, ત્યારથી રેન્કિંગમાં સુધારો થયો છે. જે દેશોમાં ભારતીય પાસપોર્ટ પર વિઝા ફ્રી અથવા વિઝા ઓન અરાઈવલની સુવિધા છે તેમાં ઈન્ડોનેશિયા, રવાન્ડા, થાઈલેન્ડ, જમૈકા, શ્રીલંકાનો સમાવેશ થાય છે. વિશ્વના 177 દેશોમાં જવા માટે વિઝા જરૂરી છે. જેમાં ચીન, જાપાન, રશિયા, અમેરિકા અને યુરોપના દેશોનો સમાવેશ થાય છે.

તાજેતરમાં જ સિંગાપોરે પાસપોર્ટની તાકાતના મામલે જાપાનનું સ્થાન લીધું છે. હવે સિંગાપોરના પાસપોર્ટ પર વિશ્વના 192 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી છે. જાપાન પાંચ વર્ષ સુધી ટોચ પર રહ્યું પરંતુ હવે તે ત્રીજા નંબરે પહોંચી ગયું છે. એક દાયકા સુધી, યુએસ પણ આ રેન્કિંગમાં ટોચ પર હતું, જોકે હવે અમેરિકા આઠમા સ્થાને છે. બ્રેક્ઝિટ પછી યુકેનું રેન્કિંગ પણ નીચે આવ્યું અને તે ચોથા સ્થાને આવી ગયું. યાદીમાં સૌથી તળિયે અફઘાનિસ્તાન છે, જ્યાં માત્ર 27 દેશો વિઝા-ફ્રી અથવા વિઝા-ઓન-અરાઈવલ સુવિધાઓ આપે છે.

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં વિકાસ વધ્યો છે, બીજી તરફ અમેરિકા સહિતના દેશો સાથેના ભારતના સંબંધ વધારે મજબુત બન્યાં છે. એટલું જ નહીં આર્થિક રીતે પણ ભારત આત્મનિર્ભર બન્યું છે. જેથી મોટી સંખ્યામાં વિદેશી કંપનીઓ ભારતમાં આવી રહી છે.