Site icon Revoi.in

અમદાવાદ નજીક બાવળા-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 10 વ્યક્તિઓના મોત, 3 ઘાયલ

Social Share

અમદાવાદઃ શહેરના છેવાડે બાવળા નજીક માર્ગ અકસ્માતની ગંભીર ઘટના સર્જાઈ હતી. બાવળા-બગોદરા હાઈવે પર ટ્રક અને ટેમ્પો વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે 3 વ્યક્તિઓને ગંભીર ઈજા થઈ હતી. માર્ગ અકસ્માતની આ ઘટનામાં મૃતકોમાં 5 મહિલા અને 3 બાળકોનો પણ સમાવેશ થાય છે. માર્ગ અકસ્માતની ઘટના અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર મધ્ય ગુજરાતના કપડવંજના સુણદા ગામના 17 શ્રદ્ધાળુઓ મીનિ ટેમ્પો લઈને ચોટીલા દર્શન કરવા ગયા હતા. આ તમામ શ્રદ્ધાળુઓ દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા. દરમિયાન બાવળા-બગોદરા હાઈવે પર તેને એકસ્માત નડ્યો હતો. રોડની સાઈડમાં પંચર પડેલી ટ્રક ઉભી હતી. તેની પાછળ પૂરઝડપે આવતો ટોમ્પો ઘુસી ગયો હતો. આ દૂર્ઘટનાને પગલે મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.

માર્ગ અકસ્માતની ગંભીર ઘટનામાં 10 વ્યક્તિઓના મોત થયાં હતા. જ્યારે 3 વ્યક્તિઓને ઈજા થઈ હતી. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી હાથ ધરીને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. જ્યારે 10 મૃતદેહોને બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા.

અમદાવાદ જિલ્લા ડીએસપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે હાલ તમામ મૃતકોના પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

અકસ્માતગ્રસ્ત ટેમ્પોની આગળની સાઈટ 3 લોકો જ્યારે પાછલની બાજુમાં 10 વ્યક્તિઓ બેઠા હતા. મૃતકોમાં 5 મહિલાઓ, 3 બાળકો અને 2 પુરુષોનો સમાવેશ થાય છે. સમગ્ર ઘટના અંગે પોલીસે ગુનો નોંધવાની કવાયત શરૂ કરી છે. બીજી તરફ માર્ગ અકસ્માતમાં 10 વ્યક્તિઓના કરુણ મોત થયા કપડવંજના સુણદા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.