Site icon Revoi.in

અમદાવાદમાં ગરમીને લીધે આવકમાં ઘટાડો થતાં શાકભાજીના ભાવમાં કિલોએ 10થી 20નો વધારો

Social Share

અમદાવાદઃ શહેરમાં છેલ્લા પખવાડિયાથી ગરમીમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. અને તાપમાનને પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો છે. લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં લોકો રાતે પણ ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. ગરમીમાં વધારા સાથે જ ગામડાંઓમાંથી શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે. તેના લીધે આવક ઘટતાં લીલા શાકભાજીના ભાવમાં 10થી 15 રૂપિયાનો વધારો થયો છે, શહેરની એપીએમસી માર્કેટમાં જ ગવારના પ્રતિકિલો દીઠ ભાવ રૂ. 60થી 90, ચોળી રૂ. 80થી 110 પ્રતિકિલો, દૂધી રૂ. 10થી 15 પ્રતિકિલો, કાકડી રૂ. 20થી 30 અને લીંબુનો ભાવ પ્રતિકિલો રૂપિયા 90થી 120 રૂપિયા સુધી પહોંચ્યો છે. જ્યારે છૂટક બજારમાં તો એપીએમસી માર્કેટ કરતા વધુ ભાવે શાકભાજી વેચાઈ રહ્યા છે.

ગુજરાતમાં ફાગણી પૂનમ બાદ તાપમાનનો વધારો થઈ રહ્યો છે. મોટા ભાગના શહેરોમાં તાપમાનને પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. ગરમીમાં વધારો થતાં જ લીલા શાકભાજી આવકમાં ઘટાડો થયો છે. ઉનાળાની ઋતુમાં શાકભાજીમાં વિકલ્પો પણ ખૂબ ઓછા મળતા હોય છે. તેવામાં ભાવ વધતા લોકોના બજેટ પર અસર પડી છે. અમદાવાદના એપીએમસી માર્કેટમાં લીલા શાકભાજીના આવકમાં ઘટાડો નોંધાયો છે. ગામડાંથી આવતા શાકભાજીની તો આવક ઘટી છે. પરંતુ મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશથી આવતા શાકભાજીની આવકમાં પણ ઘટાડો થયો છે. જ્યારે બીજીબાજુ શાકભાજીની માગ યથાવત રહી છે. તેના કારણે ભાવમાં વધારો થયો છે. ખેડુતોને શાકભાજીની હરાજીમાં પણ સારા ભાવ મળી રહ્યા છે. ત્યારે શહેરીજનોને વધુ ભાવ ચુકવવાની ફરજ પડી રહી છે.

અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા એપીએમસી માર્કેટમાં ખૂબ જ ઓછા વિકલ્પો સાથે શાકભાજી આવી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને શાકભાજી જેવા કે ગુવાર, ચોળી, દૂધી, કાકડી, ગલકા, તુરીયા, કોબીજ, ફ્લાવર જેવા શાકભાજીની આવક ઘટતા ભાવમાં વધારો થયો છે. જ્યારે  કોબીજ અને ફ્લાવરની આવકમાં વધારો થયો છે. તેથી તેના ભાવ હાલમાં સામાન્ય છે, પરંતુ અન્ય શાકભાજી હાલમાં ઊંચા ભાવે વેચાઈ રહ્યા છે. જેમાં  ગવારના પ્રતિકિલો દીઠ ભાવ રૂ. 60થી 90, ચોળી રૂ. 80થી 110 પ્રતિકિલો, દૂધી રૂ. 10થી 15 પ્રતિકિલો, કાકડી રૂ. 20થી 30 પ્રતિકિલોના ભાવથી વેચાય છે. જ્યારે ગરમીની ઋતુમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા લીંબુનો ભાવ હાલમાં 90થી 120 રૂપિયા સુધી પહોંચ્યો છે. આ ભાવ એપીએમસીના છે. છૂટક બજારમાં તો શાકભાજીના વધુ ભાવ જોવા મળી રહ્યા છે.