નવી દિલ્હી, 31 જુલાઈ 2026: કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમતગમત મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હી ખાતે ‘4થી ગ્લોબલ ઇન્ડસ્ટ્રિયલ રિલેશન્સ સમિટ’ માં જણાવ્યું હતું કે ભારતની સામાજિક સુરક્ષા પ્રણાલીઓ હવે લગભગ 101 કરોડ લોકોને અથવા વસ્તીના 68 ટકાથી વધુ લોકોને આવરી લે છે. મંત્રીએ જણાવ્યું હતું કે, આ આંકડો આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO) દ્વારા ગયા અઠવાડિયે હૈદરાબાદમાં યોજાયેલી ‘BRICS લેબર મિનિસ્ટર્સ’ મીટિંગ’ માં હાઇલાઇટ કરવામાં આવ્યો હતો, જે ભારતના સામાજિક સુરક્ષા કવચની વૈશ્વિક માન્યતાની જુબાની આપે છે. આ સમિટનું આયોજન ઓલ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ એમ્પ્લોયર્સ (AIOE) દ્વારા ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (FICCI) અને ILOના સહયોગથી કરવામાં આવ્યું છે.
-
આર્થિક વિકાસ અને રોજગાર નિર્માણ સાથે સાથે આગળ વધે
ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે સુમેળભર્યા ઔદ્યોગિક સંબંધો માટે સરકારો, ઉદ્યોગો, રોજગારદાતાઓ, કામદારો અને ટ્રેડ યુનિયનો વચ્ચે સતત સંકલન જરૂરી છે જેથી આર્થિક વિકાસ અને રોજગાર નિર્માણ સાથે સાથે આગળ વધે. ઔદ્યોગિકરણ એ રાષ્ટ્રીય વિકાસ માટે આવશ્યક છે કારણ કે તે રોજગાર સર્જનને પ્રોત્સાહન આપે છે તે બાબત પર ભાર મૂકતા કેન્દ્રીય મંત્રીએ આજીવિકાની તકો વધારવા, અર્થતંત્રને મજબૂત કરવા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં સ્વસહાય જૂથો અને સહકારી મોડલ્સ, ખાસ કરીને મહિલા સંચાલિત પહેલોના વધતા મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “એક એવું સંતુલિત વિકાસ મોડેલ હોવું આવશ્યક છે જે કામદારોના કલ્યાણ અને સામાજિક સુરક્ષાને આગળ ધપાવે, તેમજ રોજગારદાતાઓ માટે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ (સરળતાથી વ્યાપાર) સુનિશ્ચિત કરે.”
-
રોજગાર સ્થિતિસ્થાપકતામાં સુધારો
ડૉ. માંડવિયાએ રેખાંકિત કર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ, સ્થિર કરવેરા, વધતી બચત, ઉચ્ચ ખરીદશક્તિ અને વધતા મેન્યુફેક્ચરિંગ દ્વારા સમર્થિત સતત આર્થિક વૃદ્ધિએ વિકાસ અને રોજગારનું એક હકારાત્મક ચક્ર ઊભું કર્યું છે. રોજગાર સ્થિતિસ્થાપકતામાં સુધારાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે બાર વર્ષ પહેલાં જોવા મળેલા 0.008 ટકા રોજગાર વૃદ્ધિની સરખામણીએ આજે જીડીપીમાં દર એક ટકાના વધારા સામે 1.11 ટકા રોજગાર વૃદ્ધિ સર્જાઈ રહી છે.
ડૉ. માંડવિયાએ એવો પણ સંકેત આપ્યો હતો કે કર્મચારી રાજ્ય વીમા નિગમએ તેની પોતાની યોજના હેઠળ સેવાઓ આપનાર એકમાત્ર સંસ્થા રહેવાની જરૂર નથી. નિગમના આગામી સુધારાનું વર્ણન કરતા તેમણે કહ્યું કે, સારી રીતે સંચાલિત ખાનગી હોસ્પિટલોને પણ ESIC સુવિધાઓ તરીકે નિયુક્ત કરી શકાય છે. તેમણે એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા ક્લેમ્સને સંપૂર્ણ ડિજિટલ કરવા અને સિંગલ UAN પર ખાતાઓના સ્વચાલિત ટ્રાન્સફરના પગલાં તરફ પણ ઈશારો કર્યો હતો, જેમાં UPI-આધારિત નાણાં ઉપાડવાની બાબત વિચારણા હેઠળ છે.
-
બે દિવસીય સમિટનું આયોજન
ILO DWT ફોર સાઉથ એશિયા અને કન્ટ્રી ઓફિસ ફોર ઇન્ડિયાના ડિરેક્ટર સુશ્રી મિચિકો મિયામોટોએ ભારતના સામાજિક સુરક્ષા કવચના વિસ્તાર બદલ ભારતને અભિનંદન પાઠવ્યા હતા અને નોંધ્યું હતું કે ILO ના અંદાજ મુજબ, દેશે ઓછામાં ઓછા એક સામાજિક સુરક્ષાના માપદંડ હેઠળ આવરી લેવાયેલા એક અબજથી વધુ લોકોનો આંકડો વટાવી લીધો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ સિદ્ધિ આગામી દિવસોમાં ભારતના આર્થિક વિકાસને વેગ આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે. કેન્દ્રીય મંત્રી ડૉ. માંડવિયા અને અન્ય મહાનુભાવો દ્વારા આ દ્વિ-દિવસીય સમિટ નિમિત્તે એક સોવેનિયર (સ્મરણિકા) નું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

