નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી 2026: ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનની ભારત મુલાકાત પૂર્વે સંરક્ષણ ક્ષેત્રે ભારત માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુરુવારે સંરક્ષણ મંત્રાલયે ભારતીય વાયુસેના માટે 114 રાફેલ ફાઇટર જેટની ખરીદીને સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ સોદાની સૌથી મોટી વિશેષતા એ છે કે, આ વિમાનો ‘મેક ઇન ઇન્ડિયા’ હેઠળ ભારતમાં જ તૈયાર કરવામાં આવશે. અંદાજે રૂ. 3.25 લાખ કરોડના ખર્ચે થનારી આ ડીલ વિશ્વના અત્યાર સુધીના સૌથી મોટા સંરક્ષણ સોદાઓ પૈકીની એક માનવામાં આવે છે.
રક્ષામંત્રીની અધ્યક્ષતામાં મળેલી ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC)ની મહત્વની બેઠકમાં આ પ્રસ્તાવને લીલી ઝંડી આપવામાં આવી છે. ગયા મહિને ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ બોર્ડે તેને મંજૂરી આપી હતી. હવે આ ફાઈલ નાણા મંત્રાલય અને ત્યારબાદ વડાપ્રધાનના નેતૃત્વવાળી કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS) પાસે અંતિમ મહોર માટે જશે.
સુત્રોના જણાવ્યા અનુસાર, કુલ 114 વિમાનોમાંથી 16 વિમાન સીધા ફ્રાન્સથી ખરીદવામાં આવે તેવી શક્યતા છે, જ્યારે બાકીના વિમાનો ફ્રાન્સની કંપની ‘દસોલ્ટ’ ભારતીય ભાગીદાર કંપની સાથે મળીને ભારતમાં જ બનાવશે. ભારતમાં બનનારા રાફેલ જેટમાં 60 ટકા જેટલા હથિયારો અને સાધનો સ્વદેશી હશે. આ નવા જેટથી વાયુસેનાની 5 થી 6 નવી સ્ક્વોડ્રન તૈયાર થશે, જે સરહદ પર ભારતની પકડ મજબૂત કરશે.
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન સામેના ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન રાફેલની પ્રચંડ તાકાત જોઈ હતી. પહલગામ નરસંહારનો બદલો લેવા માટે પાકિસ્તાનમાં સક્રિય લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના હેડક્વાર્ટરને તબાહ કરવામાં રાફેલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. વાયુસેનાના વાઇસ ચીફ એર માર્શલ નાગેશ કપૂરે તાજેતરમાં જ રાફેલને આ ઓપરેશનનો ‘રીઅલ હીરો’ ગણાવ્યો હતો.
આ પણ વાંચોઃ AI આધારિત ‘ભાષિણી’ ટૂલ્સ થકી ગુજરાતીનો વધુ સારો ઉપયોગ થઈ શકશે: અર્જુન મોઢવાડીયા

