Site icon Revoi.in

12 વર્ષીય મનોદિવ્યાંગ દિકરીએ ફ્રી હેન્ડ પેઇન્ટિંગમાં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નામ અંકિત કર્યુ

Social Share

વડોદરાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં ધો.8 માં અભ્યાસ કરતી હેત્વી ખીમસુરિયાએ ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ અંકિત કરવાની સાથે સમગ્ર વડોદરાને ગૌરવ અપાવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરીને તથા ગોલ્ડ મેડલ, પેન, રેકોર્ડબુક, રેકોર્ડ કાર સ્ટીકર જેવા મોમેન્ટો ઉપરાંત રેકોર્ડ કિટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. જન્મથી 75 ટકા સેરેબ્રલ પાલ્સી, મેન્ટલ રિટાર્ડેશન જેવા અસાધ્ય રોગથી પીડાતી હેત્વીએ પોતાની નબળાઈને પડકાર આપીને આ સિદ્ધિ હાંસલ કરી છે. આર્ટ અને ક્રાફ્ટમાં અનેક પ્રમાણપત્રો પ્રાપ્ત કરનાર 12 વર્ષીય હેત્વીએ ફ્રી હેન્ડ પેઇન્ટિંગમાં ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડ બનાવ્યો છે.

મક્કમ મનોબળ ધરાવતા માતાપિતાએ પોતાની મનોદિવ્યાંગ બાળકીને સાચવીને તેને નાની નાની બાબતો ચીવટપૂર્વક શીખવવાનું શરૂ કર્યું. શૈક્ષણિક પઝલો બાદ રંગોની ઓળખ કરાવી હેત્વીને ચિત્રોમાં ધીમે ધીમે રંગો પૂરવાની પ્રેક્ટિસ કરાવવામાં આવી. ફ્રી હેન્ડ પેઇન્ટિંગ કરવામાં આગળ વધેલી હેત્વીની એક યુ-ટ્યુબ ચેનલ ખોલવામાં આવી. તેમના ચિત્રોના વીડિયો અહીં અપલોડ કરવામાં આવે છે, તેમજ અન્ય મનોદિવ્યાંગ બાળકોની સંસ્થાને વીડિયો મોકલીને અન્ય મનોદિવ્યાંગ બાળકોને પણ પ્રેરણા પૂરી પાડી ઉત્સાહમાં વધારો કરે છે.

હેત્વીએ અત્યાર સુધીમાં 250 ફ્રી હેન્ડ પેઇન્ટિંગ અને ક્રાફ્ટ બનાવ્યા છે, 50 શૈક્ષણિક પઝલ્સ ઉકેલી છે. આ ઉપરાંત તે 1 થી 100 અંગ્રેજી આંકડા અને ગુજરાતી સ્વર-વ્યંજન બોલી તેમજ વાંચી બતાવે છે. એક મહિના પહેલા જ ગુજરાત બુક ઓફ રેકોર્ડ્સમાં પોતાનું નામ અંકિત કરનાર ગુજરાતની પ્રથમ દિવ્યાંગ બાળકી તરીકે હેત્વી સિદ્ધિ હાંસલ કરી ચૂકી છે. ત્યારબાદ આગળ વધતા તેમણે મહત્તમ પ્રમાણપત્રો પ્રાપ્ત કરનારી મનોદિવ્યાંગ દિકરી તરીકે ઈન્ડિયા બુકમાં પણ રેકોર્ડ કરી બતાવ્યો છે.

ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે હેત્વીને વિશેષ અભિનંદન, આશીર્વાદ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. મહિલા અને બાળ કલ્યાણ તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયાના હસ્તે ઈન્ડિયા બુક રેકોર્ડ્સ કીટ આપીને હેત્વીનું સન્માન કરવામાં આવ્યું હતું. હેત્વીના પ્રેરણાસ્ત્રોત એવા તેમના પિતા કે જે તેમના માર્ગદર્શક શિક્ષક પણ છે, તેઓ હવે દીકરી વર્લ્ડ રેકોર્ડ બનાવી વિશ્વમાં દેશનું નામ રોશન થાય તે માટે પ્રયત્નો કરી રહ્યા છે.