Site icon Revoi.in

સુરતમાં MBBSના ત્રીજા વર્ષના 120 વિદ્યાર્થીઓને BP માપતા ન આવડતા નાપાસ કરાયાં

Social Share

સુરતઃ  ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં અનેક તબીબી કોલેજો અસ્તિત્વમાં આવી છે. ઘણીબધી તબીબી કોલેજોમાં પુરતા અધ્યાપકો કે પુરતું ઈન્ફાસ્ટ્રકચર પણ હોતું નથી. એમસીઆઈનું ઈન્સ્પેક્શન આવે ત્યારે કામચલાઉ સ્ટાફને અન્ય કોલેજોમાંથી લાવવામાં આવતો હોય છે. અધ્યાપકો ન હોય તેવી કોલેજોના વિદ્યાર્થીઓ કેવું ભણતા હશે તે પ્રશ્ન છે. નર્મદ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન તબીબી કોલેજના 120 જેટલા ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા  વિદ્યાર્થીઓને દર્દીઓનું બીપી માપતા પણ આવડતું નથી. MBBSનો અભ્યાસ કરતા 120 ડૉક્ટરોને એક સામાન્ય અને દર્દીના સ્વાસ્થ્યને જાણવા માટે બ્લડ પ્રેશર માપવાનું ના આવડતું હોવાનું જણાતા તેમને નાપાસ કરવામાં આવ્યા છે. કુલપતિ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ વાતનો ખુલાસો થયો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરતમાં MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 120 જેટલા વિદ્યાર્થીઓને બ્લડ પ્રેશર માપતા આવડતું નહોતું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મેડિકલના વિદ્યાર્થીઓ ત્રીજા વર્ષની પ્રેક્ટિકલ પરીક્ષા દરમિયાન બ્લડ પ્રેશર માપવામાં નિષ્ફળ ગયા હતા. નાપાસ થયેલા વિદ્યાર્થીઓ કુલપતિને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને આ દરમિયાન કુલપતિને આ વિદ્યાર્થીઓનું નાપાસ થવાનું કારણ જાણવા મળ્યું ત્યારે તેમને ભારે આંચકો લાગ્યો હતો. વ્યક્તિના શરીરમાં લોહીને ફરતું રાખવાનું સૌથી મહત્વનું કામ હૃદય દ્વારા થતું હોય તેમાં બ્લડ પ્રેશર મહત્વની ભૂમિકા ભજવે છે. બ્લડ પ્રેશર ઊંચું રહેતું હોય કે વધારે નીચું રહેતું હોય ત્યારે વ્યક્તિના શરીર પર તેની વિપરિત અસર પડતી હોય છે. આવી સ્થિતિમાં કોઈ દર્દી ડૉક્ટર સમક્ષ પોતાની તકલીફ વર્ણવે ત્યારે સૌથી પહેલા તેમનું બ્લેડ પ્રેશર તપાસવામાં આવતું હોય છે.આમ ડૉક્ટર દર્દીનું બ્લડ પ્રેશર યોગ્ય લેવલ પર છે કે નહીં તે જાણ્યા પછી સારવાર શરુ કરે છે. આવી સ્થિતિમાં ડૉક્ટરને બ્લડ પ્રેશર માપવાનું જ્ઞાન હોય તે ખુબજ જરુરી છે. બ્લડ પ્રેશર માપવાની કામગીરી ડૉક્ટર સિવાય નર્સિંગ સ્ટાફને પણ શીખવવામાં આવતી હોય છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, એક વયસ્ક વ્યક્તિનું સામાન્ય બ્લડ પ્રેશર 120-80 (બાળકોમાં તે ઉંમર પ્રમાણે બદલાતું રહે છે) રહેતું હોય છે, જો બ્લેડ પ્રેશર વધારે ઊંચું જાય તો હાર્ટ એટેક અને સ્ટ્રોકનો ખતરો રહે છે, જ્યારે બ્લડ પ્રેશર વધુ નીચું જાય તો વ્યક્તિને ચક્કર આવવા લાગે છે.