Site icon Revoi.in

મહારાષ્ટ્રના બુલઢાણામાં ગમખ્વાર અકસ્માતઃ ડમ્પર પલટી જતા 13 શ્રમજીવીઓના મોત

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પ્રોજેક્ટ માટે શ્રમજીવીઓને લઈને જતુ ડમ્પર પલટી ખાઈ જતા અંદાજે 13 જેટલા શ્રમજીવીઓના મોત થયાં હતા. આ ઉપરાંત કેટલાક શ્રમજીવીઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા.

પ્રાથમિક માહિતી અનુસાર બુલઢાણા જિલ્લામાં સમૃદ્ધિ હાઈવે પ્રોજેક્ટ માટે મજૂરોને લઈને ડમ્પર જતું હતું. દરમિયાન ડમ્પરને અકસ્માત નડ્યો હતો. જેથી તેમાં સવાર લોકોની મરણચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ભારે વરસાદના કારણે ડમ્પર રસ્તા પર સરકી ગયા બાદ પલટી ખાઈ ગયું હોવાનું જાણવા મળે છે. તેમજ ડમ્પરમાં લોખંડના સળિયા પણ ભરવામાં આવ્યાં હોવાનું ચર્ચાય રહ્યું છે.

આ ગમખ્વાર અકસ્માતની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બચાવ કામગીરી આરંભીને ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. જ્યારે મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપવાની કવાયત તેજ કરી હતી. આ ઉપરાંત પોલીસે મૃતકોની ઓળખ મેળવવા માટે તપાસ આરંભી હતી. માર્ગ અકસ્માતમાં 13 શ્રમજીવીઓના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અકસ્માત સિંધખેરાજા તહસીલના તાધેગાંવ નજીક સર્જાયો હોવાનું જાણવા મળે છે.