Site icon Revoi.in

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં 14.66 લાખ મતદારો પ્રથમવાર મતાધિકારનો કરશે ઉપયોગ

Social Share

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના 18 થી 19 વર્ષની વય જૂથના 14.66 લાખ નવા મતદારો પ્રથમ વખત તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચે આ માહિતી આપી હતી. રાજ્યની 403 વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા પછી પ્રકાશિત કરવામાં આવી હતી.

યુપીના મુખ્ય ચૂંટણી અધિકારી અજય શુક્લાએ જણાવ્યું કે હાલમાં રાજ્યમાં 1,74,351 મતદાન મથકો છે. તેમણે કહ્યું કે 18-19 વર્ષની વયજૂથના મતદારોના કુલ 14.66 લાખ નવા નામ ઉમેરવામાં આવ્યા છે. આ સાથે મતદાર યાદીમાં 18-19 વર્ષની વયજૂથના કુલ મતદારોની સંખ્યા વધીને 19.89 લાખ થઈ ગઈ છે. તેમાંથી 10.62 લાખ પુરુષ મતદારો અને 9.26 લાખ મહિલા અને 547 અન્ય (ટ્રાન્સજેન્ડર વગેરે) મતદારો છે.

શુક્લાએ જણાવ્યું હતું કે સુધારણામાં મતદાર યાદીમાં લિંગ ગુણોત્તરમાં પણ સુધારો જોવા મળ્યો છે. પહેલા તે 857 હતો જે હવે 868 છે. એટલે કે એક હજાર પુરૂષ મતદારો સામે 868 મહિલા મતદારો છે. સુધારણા દરમિયાન રાજ્યમાં 52.80 લાખ મતદારોના નામ ઉમેરવામાં આવ્યા છે. જેમાં 23.92 લાખ પુરૂષ અને 28.86 લાખ મહિલા અને 1,636 અન્ય કેટેગરીના મતદારો છે.

તેમણે કહ્યું કે, સુધારણા સમયગાળા દરમિયાન કુલ 21.40 લાખ મતદારોના નામ અલગ-અલગ કેટેગરીમાં કાઢી નાખવામાં આવ્યા છે. આ રિવિઝનમાં 10.64 લાખ અલગ-અલગ વિકલાંગ મતદારોને ટેગ કરવામાં આવ્યા છે. છેલ્લી પ્રસિદ્ધ યાદીમાં 80 વર્ષથી વધુ વયના કુલ 24 લાખ 3 હજાર 296 મતદારો છે.