Site icon Revoi.in

કિસાન સન્માન નિધિનો 14મો હપ્તો જાહેર, 17000 કરોડથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ

Social Share

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ રાજસ્થાનના પ્રવાસે છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન સન્માન નિધિ માટે રૂ. 17 હજાર કરોડ જાહેર કર્યાં હતા. પીએમ પ્રણામ યોજના અને કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પણ શરૂ કર્યું. આ દરમિયાન તેમણે રાજ્યમાં પાંચ મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કર્યું હતું.

દેશના કરોડો ખેડૂતો માટે આજનો દિવસ ખાસ છે. પીએમ કિસાન સન્માન નિધિનો 14મો હપ્તો જેની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા તે આજે રિલીઝ થઈ ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​રાજસ્થાનના સીકરમાં એક સરકારી કાર્યક્રમમાં ખેડૂતો માટે આ લાભકારી યોજના હેઠળ આ હપ્તો જાહેર કર્યો હતો. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા દેશના 8.5 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા સીધા પહોંચી ગયા છે. આ 14મા હપ્તા દ્વારા ખેડૂતોને 17,000 કરોડ રૂપિયાથી વધુ ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીકરમાં એક સરકારી કાર્યક્રમમાં અનેક વિકાસ કાર્યોનો શિલાન્યાસ પણ કર્યો હતો. મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કરવા ઉપરાંત તેમણે 1.25 લાખ કિસાન સમૃદ્ધિ કેન્દ્રોનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે જો આજની કિસાન સન્માન નિધિનો 14મો હપ્તો ઉમેરીએ તો અત્યાર સુધીમાં 2.60 લાખ કરોડ રૂપિયાથી વધુ સીધા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે દેશમાં ખેડૂતોની સમસ્યાઓના ઉકેલ માટે 1.25 લાખ કિસાન સમૃદ્ધિ કેન્દ્રો સમર્પિત કરવામાં આવી રહ્યા છે. તેના દ્વારા ખેતી સંબંધિત દરેક માહિતી, દરેક યોજનાની માહિતી, તેના ફાયદા વગેરે જણાવવામાં આવશે. આજે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને લગભગ 17,000 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી છે, જે સીધી તેમના ખાતામાં આવી રહી છે.

Exit mobile version