Site icon Revoi.in

ભારતમાં ભાંગફોડની પ્રવૃતિ આચરવા 150 આતંકવાદીઓ ઘુસણખોરીની તૈયારીમાં

Social Share

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ ઓપરેશન શરૂ કર્યું છે. બીજી તરફ પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપી રહ્યું છે. પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં યુવાનોને તાલીમ આપવામાં આવે છે. હાલ 500થી વધારે આતંકવાદી હાલ પાકિસ્તાનમાં ધમધમતા કેમ્પમાં તાલીમ લઈ રહ્યાં છે.

ભારતીય સેનાએ જણાવ્યું હતું કે નિયંત્રણ રેખા (LOC) પર યુદ્ધ વિરામ છતા કાશ્મીરના તાલીમ શિબિરોમાં 500-700 આતંકવાદીઓ હાલ ટ્રેનિંગ લઈ રહ્યાં છે અને લગભગ 150 આતંકવાદીઓ કાશ્મીર ખીણમાં ઘૂસણખોરી કરવા માટે લૉન્ચપેડ પર રાહ જોઈ રહ્યા છે. 500થી 700 આતંકવાદીઓ LOCના છેડે મનશેરા, કોટલી અને મુઝફ્ફરાબાદમાં ત્રણ તાલીમ શિબિરોમાં હાજર છે.

સેનાના અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે “લૉન્ચપેડ પર ખીણની સામેથી લગભગ 150 આતંકીઓ ઘૂસણખોરી કરવા તૈયાર છે.” ‘મે મહિનાના અંત સુધીમાં કાશ્મીરમાં કોઈ ઘૂસણખોરી સફળ થઈ નથી. આ પછી આતંકવાદીઓ ભારતીય સરહદમાં પ્રવેશવા માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરી રહ્યા છે. ઘૂસણખોરીને અંજામ આપવા માટે હવે મોટાભાગે પીર પંજાલની દક્ષિણ તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને આ સાથે એવા અહેવાલો પણ છે કે, કેટલાક લોકો નેપાળ દ્વારા ઘૂસણખોરી કરી શકે છે.’

અધિકારીએ જણાવ્યું કે ઘૂસણખોરીની સંભાવના હજુ પણ છે. તેમ છતાં એલઓસી પર ફેન્સીંગ, સુરક્ષા દળોની તીરછી નજર અને સર્વેલન્સ સાધનોએ ઘૂસણખોરીની ઘટનાઓમાં ઘટાડો કર્યો છે. વધુમાં તેમણે કહ્યું કે નિયંત્રણ રેખા પર લેવામાં કડક પગલાં અને તકેદારીના કારણે આતંકવાદીઓ ઘૂસણખોરી માટે વૈકલ્પિક માર્ગો શોધી રહ્યા છે.