Site icon Revoi.in

ગુજરાત યુવા કોંગ્રેસના 20 નેતાઓ દિલ્હીમાં, હાઈકમાન્ડે ચૂંટણી અને નવા સંગઠન અંગે કરી ચર્ચા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસના પ્રભારીની નિયુક્તિ બાદ હવે પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતાને બદલીના નવા ચહેરાને સ્થાન અપાશે. આ બન્ને પદ પર નિયુક્તિ દિવાળી પહેલા કરી દેવામાં આવે તેવી શક્યતા છે. પ્રદેશ યુવા કોંગ્રેસના 20 જેટલા નેતાઓ તેમજ કેટલાક પીઢ અગ્રણીઓને દિલ્હી હાઈકમાન્ડનું તેડુ આવતા તમામ નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. પ્રદેશ યુથ કોંગ્રેસની થોડા દિવસ અગાઉ જ ચૂંટણી યોજાઈ હતી. જેનું પરિણામ હજુ બાકી છે ત્યારે પરિણામ અગાઉ જ યુથ કોંગ્રેસના પદાધિકારીઓને દિલ્લીથી તેડું આવ્યું છે

સૂત્રોના જણાવ્યા મુજબ પ્રદેશ કોંગ્રેસ અને વિપક્ષના નેતાપદે યુવાન નેતાની પસંદગી કરવામાં આવે તેવી શક્યતા છે. યુથ કોંગ્રેસમાં વિખવાદ ના થાય તે માટે યુથ કોંગ્રેસના ઇલેકશનના પરિણામ અગાઉ જ યુથ કોંગ્રેસના 20થી વધુ હોદેદારોને દિલ્લી ખાતે બોલાવવામાં આવ્યા છે. દિલ્લી પહોંચેલા હોદેદારો સાથે સિનિયર નેતા બેઠક કરશે. બેઠકમાં યુથ કોંગ્રેસના ઇલેકશનના પરિણામ અંગે ચર્ચા કરવામાં આવશે. ત્યાર બાદ નવા સંગઠન વિષે પણ ચર્ચા કરવામાં આવશે. પરિણામ અને નવા સંગઠન મામલે કોઈ વિખવાદ ના થાય તે માટે ચર્ચા કરવામાં આવશે અને કેટલાક હોદેદારો સાથે અલગથી પણ બેઠક કરવામાં આવશે. યુથ કોંગ્રેસના હોદેદારો ગુજરાત પરત આવ્યા બાદ યુથ કોંગ્રેસના ઇલેકશનનું પરિણામ પણ જાહેર થશે. ગુજરાતમાં જુથબંધીને લીધે કોંગ્રેસ જીતતી નથી. આથી પક્ષના સક્રિય કાર્યકરોને હવે મેરિટના ધોરણે જ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપવામાં આવશે. ગુજરાતમાં યુવા મતદારોની સંખ્યા સૌથી વધુ છે. ત્યારે જ્ઞાતિના સમિકરણોને ધ્યાનમાં રાખીને પ્રદેશ પ્રમુખ અવિપક્ષના નેતાની જવાબદારી સોંપવામાં આવશે. અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ તાજેતરમાં કોંગ્રેસનો ખેસ પહેર્યો છે. તાજેતરમાં મેવાણી અને હાર્દિક પટેલ સાથે હાઈકમાન્ડે ચર્ચા કરી હતી. પ્રદેશ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલ અને હાર્દિક પટેલના નામ મોખરે હોવાની ચર્ચા છે. પ્રદેશ પ્રમુખની નિયુક્તિ બાદ કોઈ વિરોધ ન થાય તે માટે તમામ નેતાઓ સાથે ચર્ચા કરવામાં આવી રહી છે.