Site icon Revoi.in

વડોદરાની 210 સ્કૂલો દિવાળી વેકેશનમાં પણ 3 દિવસ કાર્યરત રહેશે

Social Share

ગુજરાતઃ રાજ્યની શાળાઓમાં આજથી 21 દિવસનું દિવાળી વેકેશન શરૂ થયું છે. પરંતુ વડોદરા શહેર અને જિલ્લાની 210 જેટલી સ્કૂલો દિવાળીના વેકેશનમાં પણ કાર્યરત રહેશે. નેશનલ એચિવમેન્ટ સર્વેને પગલે આ સ્કૂલો શાળા ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દિવાળીના વેકેશન દરમિયાન વડોદરાની 210 સ્કૂલો લગભગ 3 દિવસ સ્કૂલ કાર્યરત રહેશે.

DEO કચેરી દ્વારા વિશેષ આદેશ કરાયો છે કે, સમગ્ર દેશમાં એક સાથે સ્કૂલોમાં નેશનલ એચિવમેન્ટ સર્વે હાથ ધરવામાં આવનાર છે. સર્વે માટે વડોદરા શહેર-જિલ્લાની 210 સ્કૂલોને પસંદ કરવામાં આવી છે. જેથી સર્વેને પગલે વડોદરાની આ સ્કૂલો 3 દિવસ ચાલુ રહેશે. આ સર્વેમાં સ્કૂલના સ્ટાફની સાથે ધો-3,5,8 અને 10ના વિદ્યાર્થીઓ પણ સામેલ થશે. સ્કૂલોમાં શિક્ષણની ગુણવતા કેવી છે અને ક્યાં નવા સુધારા કરવા જરૂરી છે એવા હેતુથી આ સર્વે કરવામાં આવશે. 12મી નવેમ્બરના રોજ નેશનલ એચિવમેન્ટ સર્વેની ટીમ સ્કૂલોમાં જઈને સર્વેની કામગીરી હાથ ધરશે.

આ સર્વેના તારણો નવી એજ્યુકેશન પોલિસીને લાગુ કરવા માટે તેમજ શિક્ષણ પધ્ધતિમાં ખામીઓ દુર કરવા માટે ઉપયોગી થશે. છેલ્લે 2018માં નેશનલ એચિવમેન્ટ સર્વે કરવામાં આવ્યો હતો.એ પછી 2020માં સર્વે થવાનો હતો પરંતુ કોરોનાના કારણે આ સર્વેને એક વર્ષ માટે પાછળ ઠેલી દેવામાં આવ્યો હતો. હવે દિવાળીના વેકેશન દરમિયાન સર્વે કરવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષણના સ્તરમાં સુધારો થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.