Site icon Revoi.in

સુરતમાં કોરોનાના સંક્રમણને લીધે કાપડ-ફેબ્રીક્સ મિલોમાં ઉત્પાદનમાં 25 ટકાનો ઘટાડો

Social Share

અમદાવાદઃ  રાજ્યમાં કોરનાના કેસો ચિંતાજનકરીતે વધી રહ્યા છે. મહાનગરોની સ્થિતિ કફોડી છે. ત્યારે સુરત શહેરમાં ધંધા-રોજગારને વધુ ફટકો પડી રહ્યા છે. સુરતની કાપડની મીલોમાં કોરોનાને કારણે 25 ટકા જેટલું ઉત્પાદન પ્રભાવિત થયું છે. કામદારો વતન જાય નહિ તે મુદાને ધ્યાને રાખીને મીલ માલિકોએ ઉત્પાદન લેવાનું ચાલુ રાખ્યું છે. ઉદ્યોગકારોનું માનવું છે કે સરકાર કોરોનાને અંકુશ રાખવા માટે નિયંત્રણો લાદ્યા છે તે વાજબી છે પણ વેપાર-ધંધા સદંતર બંધ થવા જોઇએ નહિ.

સુરત શહેર ફેબ્રીકના ઉત્પાદનનું માન્ચેસ્ટર ગણાયસ છે. દેશના 80 ટકા મેડ-મેન ફેબ્રીકનું ઉત્પાદન કરતા સુરતના કાપડ ઉદ્યોગની વિવિધ ચેનલો કોરોનાને કારણે ભારે પ્રભાવિત થઇ છે. વેપારીઓ ઓનલાઇન વેપાર માંડ-માંડ કરી રહ્યા છે. બહારગામના વેપારીઓની હાજરી માર્કેટમાં નથી. જેના કારણે રીંગરોડ માર્કેટમાં થતા કાપડના હોલસેલના વેપારમાં લગભગ 50 ટકા જેવો ઘટાડો જોવા મળી રહ્યો છે. અનેક વિવીંગ એકમોએ એક પાળીમાં કામકાજ ચાલુ રાખ્યું છે. તો બીજી તરફ મીલ માલિકોએ પણ ઉત્પાદન કાપ કરવાની ફરજ પડી છે.

દક્ષિણ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસીએશનના સૂત્રોએ જણાવ્યુ હતું કે,  મીલ માલિકોએ નક્કી કર્યું છે કે ધીમીગતએ પણ ઉત્પાદન ચાલુ રાખવું જેથી કારીગરોને કામ મળી રહે અને ઉદ્યોગ પણ ચાલુ રહે છે. હાલમાં ઉત્પાદનને 20 થી 25 ટકા અસર પહોંચી છે. સરકારે હૈયાધારણ આપી છે કે લોકડાઉન લાગશે નહિ. આથી અમે પણ કારીગરોને સાચવીને કામકાજ ચલાવી રહ્યા છીએ. હોળી-ધૂળેટીની રજામાં સામાન્ય રીતે 10 થી 15 ટકા કારીગરો વતન જતા હોય છે. આ વર્ષે પણ આટલી જ સંખ્યામાં કારીગરો ઉત્તર-પૂર્વના રાજ્યોમાં ગયા છે. હાલ કારીગરોની કોઇ ખેંચ નથી. હા, કારીગરોમાં લોકડાઉનની દહેશત ચોક્કસ છે પણ અમે તેઓને સમજાવીને કામે ચાલુ રાખ્યા છે. જો એક વખત કારીગરો વતન ચાલ્યા જશે તો ફરીથી ઉદ્યોગને પાટે ચઢાવવો મુશ્કેલ બનશે. આથી ધીમી ગતિએ પણ કામકાજ ચાલુ રાખવુ તમામના હિતમાં છે.