Site icon Revoi.in

ગુજરાતમાં જંત્રીના દરમાં 25 ટકા વધારાની શક્યતા, સરકાર ટુંકમાં નિર્ણય લેવાશે

Social Share

અમદાવાદઃ ગુજરાત સરકાર વિકાસ કામોના ખર્ચને પહોંચી વળવા હવે આવક વધારવા પ્રયાસો કરી રહી છે. જેમાં જંત્રીના દરમાં વધારો કરીને આવક વધારવાનો પ્રયાસ કરવામાં આવશે. રાજ્યમાં લગભગ એક દશકા બાદ હવે જંત્રીદરમાં વધારો કરવા રાજય સરકારે મંજુરી આપી છે, અને આગામી દિવસોમાં આ અંગેનો સર્વે જિલ્લા કલેકટર દ્વારા કરાયા બાદ તેને આખરી સ્વરૂપ અપાશે. જંત્રીના વર્તમાન દરમાં 25 ટકા જેટલો વધારો કરવામાં આવે તેવી શક્યતા છે. જો જંત્રીના ભાવ વધશે તો પ્રોપર્ટીના ભાવ વધી જશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાતમાં જંત્રીના દર વધી રહ્યા છે, લગભગ એક દશકા બાદ રાજયમાં જંત્રીદર વધારવા માટે સ્ટેમ્પ ડયુટી વિભાગ દ્વારા તમામ જિલ્લા કલેકટરો અને અન્ય સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજીને તેમાં આગળ વધવા લીલીઝંડી આપી હતી. રાજ્યમાં જે રીતે છેલ્લા 8થી10 વર્ષમાં વિકાસની હારમાળા સર્જાઈ છે. અને રાજયમાં જમીનના ભાવ પણ અત્યંત ઉંચા ગયા છે, તે સ્થિતિ વચ્ચે સતાવાર રીતે મિલ્કત અને જમીનના લે-વેચમાં ઉપયોગમાં લેવાતા જંત્રીદર અત્યંત નીચા હોવાનું લાંબા સમયથી ચર્ચાઈ રહ્યું હતું. પરંતુ રાજકીય સહિતના કારણોસર તેમાં સુધારાનો પ્રયાસ થયો ન હતો પણ હવે રાજય સરકારે જંત્રીદર વધારવા માટે મંજુરી આપી છે. પરંતુ પ્રથમ વખત જંત્રીદર વધુ તાર્કીક બનાવાશે અને એક જ વિસ્તારમાં અલગ અલગ જંત્રીદર હોઈ શકે છે જેમકે શોપીંગ કોમ્પ્લેકસ કે સ્કુલની નજીકના જંત્રીદર તેમજ સ્મશાન ઘાટ નજીકના જંત્રીદર હાલ એક જ એરીયામાં હોય તો તે સમાન છે તેને બદલે તે અલગ અલગ હશે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, રાજયમાં બિલ્ડર એસો. દ્વારા પણ સરકારને આ અંગે રજુઆત કરવામાં આવી હતી અને ખાસ કરીને ટ્રાન્સફર ડેવલપમેન્ટ રાઈટ (ટીડીઆર) એફએસઆઈ તથા જમીનના રૂપાંતર દર જો તેની સાથે જ વધારાશે તો રીયલ એસ્ટેટ માર્કેટ તૂટી પડશે. હાલ પણ આ દરો અત્યંત ઉંચા છે. આ ઉપરાંત એસો.એ માંગણી કરી કે નવા દરનો અમલ કરતા પહેલા 5થી6 માસનો સમય આપવો જરૂરી બનશે. કોવિડના બે વર્ષ બાદ ગુજરાતમાં રીયલ એસ્ટેટ માર્કેટ તેજીના માર્ગે છે અને બાંધકામ સહિતની પ્રવૃતિ વધી છે તેના કારણે મોટા પ્રોજેકટ પાઈપલાઈનમાં છે અને જો જંત્રીદર વધારાશે તો ભવિષ્યમાં આ પ્રોજેકટ પર મોટી અસર થશે અને તેના ભાવવધારાના કારણે ખરીદનાર તથા બિલ્ડર બંને માટે નવી સમસ્યા સર્જાશે.