Site icon Revoi.in

દાંતીવાડા ડેમના છ દરવાજા ખોલીને બનાસનદીમાં 25 હજાર ક્યુસેક પાણી છોડાયું

Social Share

અમદાવાદઃ માઉન્ટ આબુ ઉપરવાસમાં ભારે વરસાદને લીધે દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં 25,000 ક્યુસેક જેટલું પાણી છોડાયું છે. આ વર્ષે ઉપરવાસના જિલ્લાઓમાં અને દક્ષિણ રાજસ્થાનમાં સારા વરસાદને લીધે બનાસકાંઠા જિલ્લામાં આવેલ દાંતીવાડા બંધમાં સારા પ્રમાણમાં પાણીની આવક થઈ છે.

માઉન્ટ આબુ ઉપરવાસમાં 160 મી.મી. ભારે વરસાદ થતાં આજે 28 જુલાઈએ દાંતીવાડા ડેમમાં પાણીનો જથ્થો 599.35 ફૂટ એટલે કે ડેમ 86.62 ટકાથી વધુ ભરાયેલ છે. ડેમની ફૂલ કેપેસીટી 604 ફૂટની છે એટલે કે ડેમ પૂર્ણ સપાટી નજીક ભરાતા આજે દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં 25,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું,

હાલ દાંતીવાડા ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. હાલ પાણીનો પ્રવાહ નદીમાં પાટણ જિલ્લાની હદથી 20 કિલોમીટર દૂર છે જે એક કે બે દિવસમાં પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાથી પ્રવેશ કરશે

પાટણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાવાસીઓને સૂચિત કરવામાં આવે છે કે નદીકાંઠાના નીચાણવાસમાં રહેતા લોકોએ નદીના પટમાં પ્રવેશ કરવાને લીધે અકસ્માત થવાની સંભાવના રહેલી છે. જેથી નદી વિસ્તારમાં પ્રવેશ કરવો નહી તેમજ નદીના પટમાંથી સલામત સ્થળે પોતાના જાનમાલ અને પશુધન સાથે સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરવામાં આવ્યો છે.

તેમજ નદીના વહેણ વિસ્તારમાં ભરાયેલ પાણીમાં ન્હાવા જવું જીવ માટે જોખમી છે. બનાસ નદીમાં ન્હાવા નહીં જવા, પાણી જોવા નહિ જવા, તથા રીલ બનાવવા કે સેલ્ફી લેવા નહિ જવા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે.

Exit mobile version