Site icon Revoi.in

ગુજરાતની 26 સરકારી પોલિટેકનિક કોલેજોમાં કાયમી આચાર્ય નથી, ઈન્ચાર્જથી ચાલતો વહીવટ

Social Share

અમદાવાદઃ ગુજરાતના બજેટમાં શિક્ષણ સેવાઓ પાછળ પુરતો ખર્ચ કરાતો ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. ત્યારે શાળા-કોલેજોમાં શિક્ષકો-પ્રાધ્યાપકોની અનેક જગ્યાઓ ખાલી છે. જેમાં 31 સરકારી ડિપ્લોમા ઈજનેરી કોલેજો પોલીટેકનીક પૈકી માત્ર 5 કોલેજોમાં જ કાયમી પ્રિન્સિપાલ છે, બાકીની 26 કોલેજોમાં ઈન્ચાર્જ પ્રિન્સિપાલથી કામગીરી ચલાવવી પડે છે. લાંબા સમયથી નવા રીક્રૂટમેન્ટ રૂલ્સમાં સામાન્ય ફેરફાર કરવામાં ન આવતા 26 કોલેજોને કાયમી પ્રિન્સિપાલ મળતા નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યની સરકારી પોલિટેકનીક કોલેજોમાં કાયમી પ્રિન્સિપાલની જગ્યાઓ ભરવા માટે ધણા સમયથી માગણીઓ કરવામાં આવી રહી છે. પોલિટેકનિક કોલેજ કર્મચારી મંડળે પણ અગાઉ આ મુદ્દે સરકારને રજુઆત પણ કરી હતી. હાલ  વિધાનસભાના સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા પણ આ મુદ્દો ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે.  ધો.10 પછી આગામી દિવસમાં ડિપ્લોમા ઈજનેરી કોલેજોમાં પ્રવેશની પ્રક્રિયા શરૂ થવાની છે. તે પહેલા 26 પોલિટેકનિક કોલેજોમાં કાયમી આચાર્યની જગ્યાઓ ભરવામાં આવે તેવી માગ ઊઠી છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, રાજયમાં સરકારી ડિપ્લોમા ઈજનેરી કોલેજોની સંખ્યા  31 છે જેમાંથી મોટાભાગની કોલેજોમાં છેલ્લા કેટલાય વર્ષોથી કાયમી પ્રિન્સિપાલ જ નથી. પ્રિન્સિપાલ માટે લાયક અનેક ઉમેદવારો છે, પરંતુ સરકાર દ્વારા ટેકનીકલ કારણોસર રીક્રૂટમેન્ટ રૂલ્સમાં સામાન્ય ફેરફાર કરવામાં ન આવતા પ્રિન્સિપાલ તરીકે નિયુકિત આપી શકાતી નથી. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ઓફ ટેકનીકલ એજયુકેશન દ્વારા ડિપ્લોમા ઈજનેરીમાં પ્રિન્સિપાલ માટે એમ.ઈ. અથવા તો પીએચડી એવી જોગવાઈ કરવામાં આવી છે.
રાજય સરકારના ટેકનીકલ શિક્ષણ વિભાગ દ્વારા પ્રિન્સિપાલ માટે પીએચડી ફરજિયાત કરી દેવામાં આવ્યું હતું. જેના કારણે પીએચડી થયેલા હતા તે પાંચ પ્રોફેસરોને પ્રિન્સિપાલ તરીકે જુદી જુદી કોલેજોમાં નિયુકત આપી દેવામાં આવી હતી. બાકીની કોલેજોમાં પ્રિન્સિપાલની જગ્યાઓ ખાલી પડી છે. મહત્વની વાત એ છે કે સાતમા પગારપંચમાં પણ એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે એમ.ઈ અથવા તો પીએચડી થયેલા હોય તેમને પણ પ્રિન્સિપાલ તરીકે નિમણુંક આપી શકાય છે. જોકે, કાઉન્સિલ દ્વારા પણ અગાઉ આ પ્રકારની સ્પષ્ટતા કરવામાં અવી હોવા છતાં માત્ર રાજય સરકારે પીએચડી ફરજિયાત તરીકે ઉલ્લેખ કર્યો હોવાથી નિયુકિત કરી શકાતી નહોતી.