Site icon Revoi.in

ગુજરાતમાં ગોળના 500 જેટલા રાબડામાં 30 લાખ ડબ્બાનું ઉત્પાદન થયું, 35 દિવસમાં સીઝન પૂર્ણ થશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં સુરત જિલ્લામાં તેમજ સૌરાષ્ટ્રમાં સોરઠ પંથકમાં જ્યાં શેરડીનું વધુ ઉત્પાદન થાય છે. ત્યાં દેશી ગોળ બનાવવાની ઠેર ઠેર રાબડા જોવા મળે છે. હાલ દેશી ગોળની સીઝન મધ્યાહને પહોંચી છે. મોટાં ભાગનાં રાબડાંઓમાં અત્યારે ગોળ બનાવવાનો ધમધમાટ ચાલી રહ્યો છે. આશરે 60 ટકા જેટલી સીઝન પૂરી થઇ ચૂકી છે. જોકે હજુ દોઢેક મહિના સુધી સીઝન ચાલુ રહેવાની હોવાથી ગોળનું સારુ ઉત્પાદન થાય એવી શક્યતા છે. એટલે કે, ચાલુ વર્ષે પણ ગોળનું ઉત્પાદન જળવાઇ રહેવાની ધારણા છે, પણ ભાવ નીચા છે એટલે સ્ટોકિસ્ટો ગોળની ખરીદી કરીને કોલ્ડ સ્ટોરેજમાં સ્ટોક કરી રહ્યા છે.

ગોળના અગ્રણી વેપારીઓએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને સુરત વિસ્તારમાં 500 કરતા વધારે રાબડાંઓમાં દેશી ગોળનું ઉત્પાદન થઇ રહ્યું છે. જાન્યુઆરીના મધ્ય સુધીમાં 30 લાખ ડબાનું ઉત્પાદન થઇ ચૂક્યું હતું  અને 16 લાખ ડબા સ્ટોકમાં મુકાઇ ગયા છે. જો કે હવે 35 દિવસ જેટલી સીઝન ચાલુ રહે તો એમાં 25 લાખ ડબા વધારે ઉત્પાદન થશે અને આશરે 15 લાખ ડબા સ્ટોકમાં મુકાશે. આમ ચાલુ વર્ષે ગોળનો સ્ટોક સરેરાશ 30 લાખ ડબા આસપાસ થવાનો અંદાજ છે.  ગયા વર્ષમાં સ્ટોકિસ્ટોને ભારે નુકસાની ગઇ હતી, પણ અત્યારે ગોળના ભાવ નીચા હોવાને લીધે કોલ્ડમાં સારો સ્ટોક થઇ રહ્યો છે. લાંબાગાળે તેજી દેખાતી હોવાથી સ્ટોકિસ્ટોનો રસ ગોળ તરફ વધ્યો છે.  સૌરાષ્ટ્રમાં ગોળનો ભાવ નીચા માલમાં રૂ. 530-640 અને સુરત લાઇનમાં રૂ. 520-630 ચાલે છે. સૌરાષ્ટ્રમાં એક નંબરના ગોળનો ભાવ રૂ. 620-640 અને નવા બેસ્ટ ટીનમાં રૂ. 630-650 સુધીના ભાવ ચાલે છે. લાંબાગાળે રૂ. 100-120ની તેજી દેખાતી હોવાથી અત્યારે સ્ટોકિસ્ટોમાં  લેવાલ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ દેશી ગોળનો ભાવ આ વખતે 10-15 ટકા જેટલો નીચો છે એટલે વળતરનું વર્ષ સૌને દેખાય છે. વળી, માર્ચ સુધી શેરડી ઝડપથી મળશે, પણ પછી મુશ્કેલી પડે તેમ લાગતું હોવાથી તેજીનું માનસ રહેશે. અત્યારે શેરડીનો ભાવ એક ટને રૂ. 1800-2000 જેટલો સ્થિર છે. એમાં મોટી વધઘટ આવે તેવી શક્યતા નથી, પણ અછત વધશે એમ માગ વધશે અને ગોળના ભાવ પર અસર આવી શકે છે. ગોળના ભાવમાં આ વખતે કમાણી થાય તો કોલ્ડમાંથી પણ ધીરે ધીરે માલ બજારમાં આવશે. જોકે રિટેઇલ સ્તરે મોટી મોંઘવારીનો સામનો ભાવ બાબતે કરવો પડે એમ લાગતું નથી.