Site icon Revoi.in

અમદાવાદ અને રાજકોટમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા 3 ઝડપાયા, લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો

Social Share

અમદાવાદઃ ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, બીજી તરફ સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ અને વપરાશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતા કેટલાક લોકો કમાવી લેવાની લ્હાયમાં ગેરકાયદે રીતે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. દરમિયાન અણદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાંથી પોલીસે ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક વેપારીને ઝડપી લીધો હતો. આ ઉપરાંત ચાઈનીઝ દોરી અને તુક્કલના ગેરકાયદે વેપારનો પર્દાફાશ કરવા માટે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને શહેરના વિવિધ વિસ્તારોમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત રાજકોટમાં ચાઈનીઝ દોરીનું વેપાણ કરનારા બે શખ્શોને પોલીસે ઝડપી લીધા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના સરસપુર વિસ્તારમાં બાબુ જ્યસ્વાલ નામનો વેપારી ગેરકાયદે રીતે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો હોવાની માહિતીના આધારે પોલીસે દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી. વેપારીના વ્યવસાયના સ્થળ ઉપર દરોડા પાડીને પોલીસે તપાસ કરતા ચાઈનીઝ દોરીના લગભગ પાંચ હજારથી વધારે રિલ મળી આવ્યા હતા. ચાઈનીઝ દોરીનો જંગી જથ્થો મળી આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. આ અંગે પોલીસે ગુનો નોંધીને વેપારી બાબુ જ્યસ્વાલની ધરપકડ કરી હતી. તેમજ તેની આગવી ઢબે પૂછપરછ કરતા વાપીના વિક્રમ રાઠોડ નામના શખ્સની સંડોવણી ખુલી હતી. દોરીનો આ જથ્થો વાપીના વિક્રમ રાઠોડ પાસેથી મંગાવવામાં આવી હોવાનું તપાસમાં ખુલ્યું હતું. જેના પરિણામે પોલીસે વિક્રમ રાઠોડને ઝડપી લેવા માટે કવાયત હાથ ધરી હતી. સમગ્ર કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને ઝડપી લેવા માટે પણ તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

દરમિયાન રાજકોટના ગોંડલ રોડ પર આવેલા રસુલપુરા પાસે ક્રાઇમ બ્રાન્ચે ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપ્યો હતો. આ સાથે જ 2 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. કૌશલ મસરાણી અને નિરજ મસરાણી નામના બે શખ્સો રસુલપુરા પાસે ખુલ્લેઆમ એક કારમાં ચાઇનીઝ દોરી વેચી રહ્યા હતા. જેની ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળતા દરોડા પાડ્યા અને સ્થળ પરથી રૂપિયા 37 હજારની 146 નંગ ચાઇનીઝ દોરી જપ્ત કરી હતી.