Site icon Revoi.in

ભુજમાં મોટરકાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 3 મહિલાઓના મોતઃ એક ઘાયલ

Social Share

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના ભુજ નજીક સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતમાં 3 વ્યક્તિઓના કરૂણ મોત થયાં હતા. મોટરકાર અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં બે સાંખ્યયોગિની સહિત 3 મહિલાઓના મોત થયાં હતા. આ મહિલાઓ એક ધાર્મિક કાર્યક્રમમાં ગઈ હતી. જ્યાંથી તેઓ પરત ફરી રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ભુજન સુખપર ગામના સ્વામીનારાયણ મંદિરમાં શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં સાંખ્યયોગી અને સત્સંગી મહિલાઓ ઉપસ્થિત રહી હતી. ભારાસર ગામના સાંખ્યયોગી પ્રેમીલાબેન નારણભાઇ વરસાણી (ઉ.વ. 45) અને સત્સંગી મહિલાઓ સવિતાબેન કીર્તિભાઈ હિરાણી (ઉ.વ. 45), શિલુબેન ચંદેશભાઈ વરસાણી (ઉ.વ. 25) અને રસીલાબેન (ઉ.વ. 50) કાર લઈને શાકોત્સવ માટે ગયા હતા. આ મહિલાઓ શાકોત્સવથી પરત ફરી રહી હતી ત્યારે માનકુવા-ભુજ માર્ગ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો.  સાથે ટકરાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો ભુક્કો બોલાઈ ગયો હતો.

આ દૂર્ઘટનામાં પ્રેમીલાબેન, સવિતાબેન અને શિલુબેનનું મોત થયું હતું. જ્યારે કાર ચાલક રસીલાબેનને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. આ બનાવની જાણ થતા જ પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત કેવી રીતે થયો તે જાણવા તપાસ શરૂ કરી છે. અકસ્માત બાદ ટ્રક પણ ડિવાઈડર કુદાવીને રોંગસાઈડમાં નીચે ઉતરી ગયો હતો. રોડ અકસ્માતમાં 3 મહિલાઓના મોત થતા સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.