Site icon Revoi.in

અમદાવાદ-રાજકોટ હાઈવે પર લીંબડી પાસે ટ્રક અને ઈકોકાર વચ્ચેના અકસ્માતમાં 4નાં મોત

Social Share

લીંબડીઃ અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં આજે મંગળવારે વહેલી સવારે ટ્રક અને ઈકોકાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.  આ અકસ્માતમાં પિતા તેના બે પુત્રો અને ભત્રીજો મળી એક જ પરિવારના ચાર વ્યક્તિના ગંભીર ઇજા થતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતો અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે ફરી એકવાર રક્તરંજિત બન્યો હતો. આજે મંગળવારે વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં 4 વ્યક્તિના જીવનદીપ બુઝાઈ ગયા હતો. આયા ગામના પાટિયા નજીક વહેલી સવારે ટ્રક અને ઇકો કાર વચ્ચે થયેલા અકસ્માતમાં 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતા. આ અકસ્માતમાં ઇકો કારનો કચ્ચરઘાણ નીકળી ગયો છે.

પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતની વિગતો એવી જાણવા મળી છે. કે, આજે વહેલી સવારે પાંચેક વાગ્યાના અરસામાં લીંમડી નજીક આયા ગામના પાટિયા પાસે ટ્રકની પાછળ ઈકો કાર ધડાકા સાથે અથડાઈ હતી. જેમાં ઈકોકારમાં મુસાફરી કરી રહેલા અરવલ્લી જિલ્લાના મોડાસાના વોલવા ગામના ધીરુભાઇ ખાંટ તેના બે પુત્રો અને એક ભત્રીજાનું અકસ્માતમાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. કાર રાજકોટ તરફ આવી રહી હતી અને આગળ જઇ રહેલા ટ્રક પાછળ ઘૂંસી ગઇ હતી. અકસ્માતમાં એક જ પરિવારના ચાર વ્યક્તિના મૃત્યુ નિપજ્યાં હતાં.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદ-રાજકોટ હાઈવે પર આજે વહેલી પરોઢે ધુમ્મસની ચાદર છવાઇ હતી હાઇ-વે પર વાહનોને ધુમ્મસ નડી હતી. કદાચ ધુમ્મસને લઇને કાર ટ્રક પાછળ ઘુસી ગઇ હોઇ શકે અથવા તો વહેલી સવારે કારચાલકને ઝોંકુ આવ્યું હોય અને કાર આગળ રહેલા ટ્રક પાછળ ઘુસી ગઇ હોઇ શકે. અકસ્માતમાં જીવ ગુમાવનારા ધીરૂભાઇ અને બે પુત્રો તથા તેમનો ભત્રીજો ચારેય રાજકોટ આવી રહ્યા હતાં. ધીરૂભાઇના એક પુત્રને વાલની બિમારી હોવાથી સારવાર અર્થે રાજકોટ આવી રહ્યા હતાં અને રસ્તામાં અકસ્માત સર્જાયો હતો. બિમાર યુવક તેમજ સાથે રહેલા પિતા, ભાઇ અને પિતરાઇ ભાઇએ પણ જીવ ગુમાવ્યો હતો. અકસ્માતને લઇને ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસે વાહન વ્યવહાર પુર્વ:વત કરાવ્યો હતો. કાર આગળના ભાગે બુકડો બોલીને અડધાથી વધુ સુધી છૂંદાઇ ગઇ હતી. જેથી કારની સ્પીડ વધુ હોવાના કારણે અને કારચાલકે કાબુ ગુમાવ્યો હોય કે ઝોંકુ આવી ગયું હોય તેને લઇને પણ અકસ્માત થયો હોવાની સંભાવના દેખાઇ રહી છે. અકસ્માતને પગલે સ્થાનિકોનાં ટોળેટોળાં વળ્યાં હતાં અને પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ તરત આવી પહોંચી હતી અને સ્થાનિકોની મદદથી પતરાં ચીરીને મૃતદેહો બહાર કાઢ્યા હતા.

બે દિવસ અગાઉ ચોટીલા-સાયલા વચ્ચે વણકીના પાટિયા પાસે એક કાર પર કોલસી ભરેલું ડમ્પર પડતાં કારમાં સવાર સસરા-જમાઈનાં મોત નીપજ્યાં હતાં, જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કાર પર વિશાળ ડમ્પર પડતાં કારનું પડીકું વળી ગયું હતું. ક્રેઈનની મદદથી કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે રસ્તા પર ટ્રાફિકજામનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. આ હાઇવે પર થોડા દિવસ અગાઉ પોલીસવાનને અકસ્માત નડતા એક મહિલા પોલીસ કર્મી સહિત ચાર પોલીસ સ્ટાફ ઇજાગ્રસ્ત થયા હતા. લીંબડીના બલદાણા ગામના પાટીયા પાસે પોલીસવાન અને ખાનગી લકઝરી બસ વચ્ચે અકસ્માતમાં 6 વ્યકિતને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.