Site icon Revoi.in

ભારતમાં ઓનલાઈન કન્ટેન્ટ બ્લોક કરવાના કિસ્સામાં 400 ટકાનો તોતિંગ વધારો

Social Share

નવી દિલ્હી, 6 મે 2026: ભારતમાં સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટ પ્લેટફોર્મ પર વાંધાજનક સામગ્રીને બ્લોક કરવાની પ્રક્રિયામાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. કેન્દ્રીય આઈટી મંત્રાલય (MeitY) દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, છેલ્લા બે વર્ષમાં બ્લોકિંગ ઓર્ડરની સંખ્યામાં લગભગ ચાર ગણો વધારો થયો છે. આ વધારા પાછળ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) દ્વારા બનાવાયેલા ડીપફેક વીડિયો અને ભ્રામક કન્ટેન્ટને મુખ્ય જવાબદાર માનવામાં આવે છે.

સરકારી અહેવાલ મુજબ, વર્ષ 2023માં સરેરાશ 6,000 બ્લોકિંગ ઓર્ડર આપવામાં આવ્યા હતા, જે 2024માં વધીને 12,600 અને વર્ષ 2025ના અંત સુધીમાં 24,300 સુધી પહોંચી ગયા છે. આ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે સરકાર ઓનલાઈન પ્લેટફોર્મ પર ફેલાતી ખોટી માહિતી સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી રહી છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પૈકી સૌથી વધુ બ્લોકિંગ ઓર્ડર ‘એક્સ’ (અગાઉનું ટ્વિટર) માટે જારી કરવામાં આવ્યા છે. એક્સ ઉપર 60 ટકા, ફેસબુક-ઈસ્ટાગ્રામમાં આશરે 25 ટકા અને યુ-ટ્યુબમાં આશરે પાંચ ટકા બ્લોકિંગ ઓર્ડર જારી કરાયાં છે. ગૃહ મંત્રાલય અને વિદેશ મંત્રાલય દ્વારા મળેલી ફરિયાદોમાં અડધાથી વધુ કિસ્સાઓ એવા છે જેમાં જાણીતા નેતાઓ અને રાજકીય પક્ષોના ફોટા-વીડિયોનો દુરુપયોગ કરવામાં આવ્યો હોય. તાજેતરમાં સાંસદ શશિ થરૂરે પણ ફરિયાદ કરી હતી કે પાકિસ્તાનથી તેમના ડીપફેક વીડિયો ફેલાવવામાં આવ્યા હતા, જેમાં નકલી એઆઈ અવાજનો ઉપયોગ થયો હતો.

સરકાર આઈટી એક્ટ 2000ની કલમ 69એ હેઠળ આ કાર્યવાહી કરે છે. દેશની સુરક્ષા, અખંડિતતા, જાહેર વ્યવસ્થા અને ગુનાઓને રોકવા માટે સરકાર કોઈપણ કન્ટેન્ટ બ્લોક કરી શકે છે. ગૃહ, કાયદા અને સૂચના પ્રસારણ મંત્રાલયના અધિકારીઓની બનેલી કમિટી આ અંગે નિર્ણય લે છે. અતિ ગંભીર કિસ્સામાં સરકાર તાત્કાલિક અસરથી કન્ટેન્ટ હટાવી શકે છે, જેની 48 કલાકમાં કમિટી પાસેથી મંજૂરી લેવી અનિવાર્ય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર હવે અન્ય મહત્વના મંત્રાલયોને પણ સીધા જ બ્લોકિંગ ઓર્ડર જારી કરવાની સત્તા આપવા પર વિચાર કરી રહી છે. આ પગલાથી ડીપફેક અને ભ્રામક વીડિયો વાયરલ થાય તે પહેલા જ તેને અટકાવવાની પ્રક્રિયા વધુ ઝડપી બનશે.

(PHOTO-FILE)

Exit mobile version