Site icon Revoi.in

રાજકોટમાં ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં યોજાનારા પતંગોત્સવમાં 16 દેશોના 41 પતંગબાજો ભાગ લેશે

Social Share

રાજકોટઃ રાજ્યમાં અમદાવાદ, વડનગર, ઘોરડો, સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત વિવિધ સ્થળોએ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે રાજકોટમાં પણ તા.12મી જાન્યુઆરીને ગરૂવારે  યોજાનાર પતંગોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આગામી 12 જાન્યુઆરીના રોજ સવારે 9.30 વાગ્યે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે આ આયોજન રેસકોર્સ મેદાનમાં થતું હોય છે પરંતુ આ વર્ષે સ્થળ બદલાવી રેસકોર્સના બદલે ધર્મેન્દ્રસિંહજી કોલેજ મેદાન ખાતે નક્કી કરવામાં આવ્યું છે.

રાજકોટમાં ધર્મેન્દ્રસિંહજી કોલેજના કેમ્પસમાં યોજાનાર પતંગોત્સવમાં ઇન્ડોનેશિયા, મલેશિયા, પોલેન્ડ, નેધરલેન્ડ અને સાઉથ આફ્રિકા સહિત 16 દેશોના 41 પતંગબાજો ભાગ લેશે. ઉપરાંત ભારતના 7 રાજ્યોમાંથી રાજસ્થાન, સિક્કિમ, મધ્યપ્રદેશ, પોંડીચેરી, તેલંગણા કર્ણાટક અને ઓડીશાના 18 તેમજ રાજકોટ સહિત ગુજરાતના 99 પતંગબાજ ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની અંદર G-20 સમિટનો પણ બહોળો પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.

સૂત્રોએ જણાવ્યું હતું કે,  ગુજરાતમાં પતંગોત્સવની છેલ્લાં 2 વર્ષથી પતંગરસિયાઓ રાહ જોઈ રહ્યા છે. કોરોનાકાળ બાદ પ્રથમવાર ગુજરાતમાં પતંગોત્સવ યોજવા સરકારે આયોજન હાથ ધર્યું છે. આગામી પતંગોત્સવ રાજ્યના 4 શહેરી વિસ્તારમાં યોજાશે. રાજ્યમાં તારીખ 8 જાન્યુઆરી, 2023થી 14 જાન્યુઆરી, 2023 સુધી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદેશી પતંગબાજો પણ ભાગ લેશે. રાજ્યના પ્રવાસન વિભાગે પતંગ ઉત્સવને લઈને તૈયારીઓ શરૂ કરી છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ દરમિયાન તા. 8થી 14 જાન્યુઆરી દરમિયાન રાત્રે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતના ખ્યાતનામ કલાકારો પતંગ ઉત્સવમાં પર્ફોર્મન્સ કરશે. ગુજરાતની લોકકલાને ઉજાગર કરતા વિવિધ કલાકારો પતંગ ઉત્સવમાં ભાગ લેશે. આ ઉપરાંત પતંગોત્સવમાં સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવશે. રાજ્યમાં પતંગ ઉત્પાદન કેવી રીતે થાય છે એની વર્કશોપ પણ રાખવામાં આવશે. અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે વિવિધ સ્ટોલ ઊભા કરશે.

કોરોનાકાળ બાદ પ્રથમવાર યોજાઈ રહેલા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં આઝાદી કા અમૃત મહોત્સવ અને G-20 સમિટની થીમ રાખવામાં આવશે. રાજ્યમાં G-20 સમિટની 15 બેઠકો વિવિધ સ્થળો પર યોજાવાની છે. દેશ પ્રથમવાર G-20 સમિટની યજમાની કરી રહ્યો છે, જેથી G-20 સમિટના કેટલાક અંશો પતંગ ઉત્સવમાં જોવા મળશે. આ ઉપરાંત દેશમાં આઝાદીનાં 75 વર્ષની ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે પતંગ ઉત્સવમાં તેના કેટલાક અંશો જોવા મળશે.