Site icon Revoi.in

ગુજરાતના જળાશયોમાં 47 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ, 114 ડેમોના તળિયા દેખાયા

Social Share

અમદાવાદઃ ચોમાસાના આગમનને હજુ બે મહિના જેટલો સમય બાકી છે. ત્યારે અડધા ઉનાળે રાજ્યના 114 જળાશયોના તળિયા દેખાયો છે. સૌરાષ્ટ્રમાં સૌની યોજના હેઠળ રાજકોટ સહિતના તળોવોમાં નર્મદાના નીર ઠલવાતા પીવાના પાણીની સમસ્યા હલ થઈ છે. રાજ્યની જીવાદારી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં 50 ટકા પાણાનો જથ્થો ઉપલબ્ધ છે. એટલે પીવાના પાણીની તેમજ જે વિસ્તારોમાં કેનાલો છે તે વિસ્તારોમાં સિંચાઈ માટે પુરતુ પાણી આપી શકાશે. રાજ્યના ઘણા એવા વિસ્તારો છે. કે નર્મદા કેનાલનો લાભ મળ્યો નથી. એવા વિસ્તારોમાં સિંચાઈ માટે ખેડુતોને મુશ્કેલી પડશે.

ગુજરાતમાં રવિપાકની સીઝન પૂર્ણ થતાં ખેડુતોએ 11.48 લાખ હેક્ટરમાં ઉનાળું વાવેતર કર્યું છે. ગત વર્ષે ઉનાળામાં કુલ વાવેતર 11.56 લાખ હેક્ટરમાં વાવેતર હતું. ખેડુતોએ 3.16 લાખ હેક્ટરમાં ઉનાળું બાજરીનું વાવેતર કર્યું છે, જ્યારે 1.15 લાખ હેક્ટરમાં તલ, એક લાખ હેક્ટરમાં શાકભાજી તો 3.50 લાખ હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કર્યું છે. રાજ્યના જળાશયોમાં હાલની સ્થિતિએ સરેરાશ 47% જળસંગ્રહ છે. ગયા મહિને એટલે કે માર્ચ મહિનામાં રાજ્યના જળાશયોમાં પાણીનો જથ્થો 58 ટકા ઉપલબ્ધ હતો.એટલે 30 દિવસમાં જળસંગ્રહમાં 11%નો ઘટાડો થયો છે. પીવાના પાણી માટે જીવાદોરી સરદાર સરોવરમાં 50% પાણીનો જથ્થો છે. રાજ્યમાં 67 જળાશયોમાં 10%થી પણ ઓછું પાણી છે. 25%થી ઓછો જળસંગ્રહ હોય એવા જળાશયોની સંખ્યા 114 છે એટલે કે રાજ્યના અડધાથી પણ વધુ જળાશયોમાં 25%થી પણ ઓછું પાણી છે. 15 જળાશયો સાવ ખાલીખમ છે.

રાજ્યમાં ઉનાળુ વાવેતરના આંકડા જોઈએ તો બનાસકાંઠામાં સૌથી વધારે 3 લાખ હેક્ટરમાં વાવેતર થયુ છે. જેમાં 1.69 લાખ હેક્ટરમાં બાજરીનું વાવેતર થયુ  છે. અન્ય એક પણ જિલ્લામાં એક લાખ હેક્ટરથી વધારે વિસ્તારમાં વાવેતર નથી. આણંદ જિલ્લામાં 73 હજાર હેક્ટર, જૂનાગઢમાં 55 હજાર હેક્ટર વાવેતર છે. ડાંગ જિલ્લામાં 2000 હેક્ટર, નર્મદા જિલ્લામાં 3800 હેક્ટર, દ્વારકામાં 4600 હેક્ટર, વલસાડમાં 5700 હેક્ટર વિસ્તારમાં ઉનાળું વાવેતર થયું છે.

રાજ્યના પાણી પુવઠા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકારની ગાઇડલાઇન મુજબ જળાશયોમાંથી પીવાનું પાણી પૂરું પાડવા પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ઉકાઇ ડેમમાં શિયાળુ પાક માટે પાણી અપાયું હતું. 50 હજાર હેકટર જેટલી જમીનમાં ઉનાળુ પાક માટે પણ પાણી આપ્યું છે. હવે ડેમમાં ઉપલબ્ધ જળરાશી મુજબ સિંચાઈ માટે પાણી અપાશે

Exit mobile version