Site icon Revoi.in

ગુજરાતના 207 જળાશયોમાં 48.74 ટકા પાણીનો સંગ્રહ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો છે અને આગામી તા. 16મી જુલાઈથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ જળાશયોમાં પણ અત્યાર સુધીમાં સારા એવા પ્રમાણમાં નવા પાણીની આવક થઈ છે. રાજ્યના 207 જળાશયોમાં 48.74 ટકા જળસંગ્રહ થયુ છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 58.71 ટકા જળસંગ્રહ થયુ છે. તેમજ મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 32.03 ટકા જળસંગ્રહ સાથે દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 35.83 ટકા જળસંગ્રહ થયુ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 55 ટકાથી વધારે પાણીનો સંગ્રહ થયો છે.

રાજ્યમાં વરસાદીની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે. રાજ્યના 17 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. 7 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નવસારીના ગણદેવીમાં 4 ઈંચ, સુરતના માંડવીમાં 3 ઈંચ, નવસારીના ચીખલીમાં 3 ઈંચ, અમરેલીના ખાંભામાં અઢી ઈંચ અને ગીર સોમનાથના ઉનામાં બે ઈંચ વરસાદ પડ્યો છે. વડોદરાના કરજણમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદે વિરામ લીધા બાદ પણ હાલાકીના દૃશ્યો જોવા મળી રહ્યા છે. ભારે વરસાદના પગલે રસ્તા પર પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન બન્યા છે.

અમરેલી જિલ્લાના આંબરડી ગામમાં વરસાદને લઈને મધ્યમાંથી પસાર થતી નેવડી નદીમાં પૂર આવ્યુ છે. જ્યારે લીલીયાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ખારો નદીમાં પૂર આવ્યુ છે. આ તરફ જાફરાબાદ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ભારે વરસાદને પગલે શેરીઓમાં પાણી ભરાયા છે.