અમદાવાદઃ રાજકોટ મહાનગર પાલિકા દ્વારા વોર્ડ નંબર-7માં રામનાથપરા પાસે રૂ. 48.50 લાખના ખર્ચે નવનિર્મિત ફૂલબજાર તથા રૂ. 3.40 કરોડના ખર્ચે બનેલ શ્રી સંત તુલસીદાસ પ્રાથમિક શાળા નંબર-16 ના નવનિર્માણ પામેલ બિલ્ડિંગનું લોકાર્પણ રાજકોટના પ્રભારી મંત્રી અને રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે સંપન્ન થયું હતું.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી વાઘાણીએ જણાવ્યુ હતું કે, સામાન્ય અને છેવાડાના માનવીની ઉન્નતિ થાય, તે માટેની ચિંતા અને કાર્યો રાજ્યસરકાર કરી રહી છે. ફૂલ એ માત્ર સુગંધ નહિ, પણ ઊર્જા પણ આપે છે. એટલે રાજકોટની ફૂલ બજારને એક પદ્ધતિસરનું મકાન અપાયું છે. તે માટે મહાનગરપાલિકાને અભિનંદન પાઠવું છું. આ ઉપરાંત મનપાએ નવી સુવિધા સંપન્ન શાળા બનાવી છે. સમગ્ર રાજયમાં 3 લાખ શિક્ષકો અને 40 હજાર શાળાઓ ભૂલકાંઓના શિક્ષણ માટે કાર્યરત છે. હાલના વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કન્યા કેળવણી, બેટી બચાઓ બેટી પઢાઓ, ગુણોત્સવ, પ્રવેશોત્સવ વગેરે જેવા શૈક્ષણિક અભિયાન થકી ગુજરાતની સરકારી શાળાઓની કાયાપલટ કરી છે. ઉપરાંત નેશનલ એજ્યુકેશન પોલિસી થકી ગુણવત્તાયુક્ત શિક્ષણનો પ્રારંભ કરાવ્યો છે.
વાહન વ્યવહાર મંત્રી અરવિંદ રૈયાણીએ આ પ્રસંગે કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ જરૂરિયાતવાળા માનવીઓને પણ મળે તેવા પ્રયત્નો સરકાર દ્વારા થઈ રહ્યા છે. રાજ્યનું એક પણ બાળક શિક્ષણ વગરનું ન રહે તેની ચિંતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકાર કરી રહી છે. પારેવડી ચોકમાં ફૂલ વેચવા આવતા ખેડૂતોની સગવડ માટે મહાનગરપાલિકાએ ફૂલબજાર બનાવી છે, જેનાથી ફૂલ બજારમાં રોજગારીની તકોમાં વધારો થશે. મેયર ડો. પ્રદીપ ડવે કહ્યું હતું કે, મહાનગર પાલિકા દ્વારા બાળકોથી લઈ યુવાનો, વૃદ્ધોને માટે વિવિધ વિકાસકામો થઈ રહ્યા છે. બાળકોને સારું શિક્ષણ મળે તે માટેની તમામ સુવિધા શાળાઓમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

