Site icon Revoi.in

ગુજરાતમાં 2 વર્ષમાં જેનરિક દવાના વેચાણમાં 50 ટકાનો વધારોઃ 2021-22માં 60 કરોડની દવાનું વેચાણ

Social Share

અમદાવાદઃ જાણીતી કંપનીની મોંઘી દવાઓથી સામાન્ય અને ગરીબ પરિવારની મુશ્કેલીમાં વધારો થાય છે. જો કે, ગરીબ અને સામાન્ય વ્યક્તિને પણ દવાનો બોજ ના પડે તે માટે જેનરિક દવાના વેચાણ માટે મંજૂરી આપવામાં આવી હતી.  ડાયાબિટીસ, ઓન્‍કોલોજી, કાર્ડિયોવેસ્‍ક્‍યુલર, ન્‍યુટ્રાસ્‍યુટિકલ્‍સ અને એન્‍ટિ-ઇન્‍ફેક્‍ટિવ જેવી ગંભીર બીમારીથી પીડિતા દર્દીઓને ઓછી કિંમતમાં જેનરિક દવાઓ મળી રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. દરમિયાન રાજ્યમાં જેનરિક દવાના વેચાણમાં છેલ્લા બે વર્ષમાં 50 ટકાનો વધારો થયો હોવાનું જાણવા મળે છે. અંતિમ નાણાકીય વર્ષમાં લગભગ 60 કરોડની કિંમતની દવાઓનું વેચાણ થયું હતું. જ્યારે 2020માં લગભગ રૂ. 25 કરોડની કિંમતની જેનરિક દવાનું વેચાણ થયું હતું.

સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં જેનરિક દવાને લઈને લોકોમાં જાગૃતિ વધી છે. લોકો ઝડપથી જેનરિક દવા તરફ વળ્યાં છે. જેથી જેનરિક દવાના વેચાણમાં વધારો થયો છે. FDCA ડેટા અનુસાર 2015-16માં ભારતમાં જેનરિક દવાઓનો હિસ્‍સો માંડ 3 ટકા જેટલો હતો અને તે હવે વધીને 8 ટકા જેટલો થયો છે. કોવિડ રોગચાળા દરમિયાન દવાઓની અછત વચ્ચે લોકો મોટી સંખ્યામાં જેનરિક દવાની ખરીદી કરતા હતા. જેથી જેનરિક દવાની પણ અછત ઉભી થઈ હતી. વર્ષ 2020માં લગભગ બે લાખ લોકો જેનરિક દવાનો ઉપયોગ કરતા હતા. જેમાં વધારો થઈને 2022માં 4.20 લાખ લોકો હાલ જેનરિક દવાનો ઉપયોગ કરી રહ્યાં છે. આગામી દિવસોમાં જેનરિક દવાનો વપરાશ વધવાની શકયતા છે.

ફાર્મા કન્‍સલ્‍ટન્‍ટના જણાવ્‍યા અનુસાર, નીચી અને મધ્‍યમ આવક ધરાવતા જૂથોમાં જેનરિક દવાઓનો વ્‍યાપક ઉપયોગ જોવા મળે છે. વધુ જાગૃતિ અને સારી-ગુણવત્તાવાળા જેનરિક સાથે, લોકોની ધારણા પણ બદલાઈ રહી છે. કેટલીક મોટી ફાર્માસ્‍યુટિકલ કંપનીઓએ વિવિધ પરમાણુઓ માટે સામાન્‍ય વિકલ્‍પો રજૂ કરવાનું શરૂ કર્યું છે. આનાથી ગુણવત્તાના મોરચે જેનરિક દવાઓમાં લોકોનો વિશ્વાસ વધ્‍યો છે.