Site icon Revoi.in

મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિ.માં પ્રવેશ પૂર્ણ થયા બાદ 50 ટકા બેઠકો ખાલી

Social Share

ભાવનગરઃ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં ધો.12 પછી પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે. યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીમાં કુલ 27000 બેઠકો પૈકી 13,408 બેઠકો  પ્રવેશના ત્રણ રાઉન્ડના અંતે ભરાઇ છે અને તેની સામે 13,592 બેઠકો ખાલી રહી ગઇ છે. યુનિ.માં ટકાવારીની દ્રષ્ટિએ 49.66 ટકા બેઠકો ભરાઇ છે અને 50.34 ટકા બેઠકો ખાલી રહી ગઇ છે. ગત વર્ષની તુલનામાં આ વર્ષે બેઠકો ભરાઇ તેમાં 3,000થી વધારેનો ઘટાડો નોંધાયો છે. આમ આર્ટસ,કોમર્સ, સાયન્સ સહિત પ્રથમ સેમેસ્ટરમાં અડધી બેઠકો પણ ભરાઈ નથી.

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં તા.10 ઓગસ્ટ સુધી ગુજરાત બોર્ડની પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાએ પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશની તક આપ્યા બાદ હવે એડમિશનનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. જેમાં આ વર્ષે સૌથી વધુ કોમર્સ ફેકલ્ટીમાં સ્થિતિ નબળી રહી છે. બી.કોમ.ની કોલેજોમાં યુનિ. સંલગ્ન તેમજ ખાનગી મળીને કુલ 9510 બેઠકો ઉપલબ્ધ છે અને તે પૈકી માત્ર 3068 જ બેઠકો ભરાતા કોમર્સની કોલેજોમાં માત્ર 32.26 ટકા બેઠકો જ ભરાઇ છે અને 67.74 ટકા બેઠકો ખાલી રહી ગઇ છે. તેમાં પણ કેટલીક ખાનગી કોલેજોમાં તો 10 ટકા બેઠકો પણ ભરાઇ નથી. તેથી સંચાલનના પ્રશ્નો ઉભા થયા છે. આવું જ બી.કોમ. ઓનસર્માં પણ છે કુલ 300 પૈકી માત્ર 28 જ બેઠકો ભરાઇ છે એટલે કે માત્ર 9.33 ટકા જ બેઠકો ભરાઇ છે અને 90.67 ટકા બેઠકો ખાલી રહી ગઇ છે. આ વર્ષે એડમિશનમાં સૌથી સારી સ્થિતિ બી.સી.એ.ની ખાનગી કોલેજોમાં છે. બી.સી.એ.ની કોલેજોમાં કુલ 1860 બેઠકો ઉપલબ્ધ છે અને તે પૈકી 1465 બેઠકો ભરાઇ ગઇ છે. વળી બસી.સી.એ.માં સેલ્ફ ફાયનાન્સ કોલેજોમાં જ આ કોર્સ હોય કુલ ટકાવારીની દ્રષ્ટિએ 78.76 ટકા બેઠકો ભરાઇ ગઇ છે અને 21.24 ટકા બેઠકો ખાલી રહી ગઇ છે.

આમ આ વર્ષે સ્નાતક કક્ષાએ વિવિધ વિદ્યાશાખામાં પ્રથમ વર્ષ માટે પ્રવેશ પ્રકિયા પૂર્ણ થઈ છે ત્યારે 50 ટકાથી વધુ બેઠકો ખાલી રહી ગઈ છે જેમાં ખાસ કરીને સાયન્સ અને કોમર્સમાં બેઠકો ખાલી છે જ્યારે પ્રમાણમાં આર્ટસ કોલેજોમાં સ્થિતિ સારી જોવા મળી રહી છે. કમ્પ્યૂટર, આઇટી ક્ષેત્રમાં સરકારની પ્રોત્સાહક નીતિને લીધે આગામી દિવસોમાં રોજગારીની વિપુલ તકો મળવાની શક્યતાઓ હોય આઇટી સેકટર પ્રત્યે યુવાનોમાં આકર્ષણ વધ્યું છે. આથી બીસીએ, બીએસસી આઇટી તેમજ ડિગ્રી તથા ડિપ્લોમા ઇજેનરીમાં પણ કમ્પ્યૂટર તથા આઇટીમાં બેઠકો ભરાઇ છે. કોમર્સ ફેકલ્ટી તરફ ઝુકાવ ઘટ્યો છે. જેથી કોમર્સ કોલેજોમાં બેઠકો નોંધપાત્ર સંખ્યામાં ખાલી રહી ગઇ છે.