નવી દિલ્હીઃ ભારતમાં ભાંગફોડની પ્રવૃતિ આચરવા માટે પાકિસ્તાન આતંકવાદીઓને પ્રોત્સાહન આવે છે. એટલું જ નહીં આતંકવાદીઓને પોતાની જમીન પણ ઉપયોગ કરવા આપી છે. દરમિયાન પીઓકેમાં ધમધમતા આતંકવાદી કેમ્પમાં હાલ 500થી વધારે આતંકવાદીઓ તાલીમ લઈ રહ્યાં છે. એટલું જ નહીં ભારતમાં ભાંગફોડની પ્રવૃતિ આચરવા માટે 150 જેટલા આતંકવાદીઓ ઘુસણખોરી કરવાની પેરવીમાં હોવાનું જાણવા મળે છે.
ભારતીય સેનાના અધિકારીના જણાવ્યા અનુસાર, નિયંત્રણ રેખા પર યુદ્ધ વિરામ છતા કાશ્મીરના તાલીમ શિબિરોમાં 500-700 આતંકવાદીઓ હાલ ટ્રેનિંગ લઈ રહ્યાં છે અને લગભગ 150 આતંકવાદીઓ કાશ્મીર ખીણમાં ઘૂસણખોરી કરવા માટે લૉન્ચપેડ પર રાહ જોઈ રહ્યા છે. આતંકવાદીઓ LOCના છેડે મનશેરા, કોટલી અને મુઝફ્ફરાબાદમાં ત્રણ તાલીમ શિબિરોમાં હાજર છે. ઘૂસણખોરીને અંજામ આપવા માટે હવે મોટાભાગે પીર પંજાલની દક્ષિણ તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જ્યારે કેટલાક લોકો નેપાળ દ્વારા ઘૂસણખોરી કરી શકે છે.
અધિકારીએ જણાવ્યું કે એલઓસી પર ફેન્સીંગ, સુરક્ષા દળોની તીરછી નજર અને સર્વેલન્સ સાધનોએ ઘૂસણખોરીની ઘટનાઓમાં ઘટાડો થયો છે. આતંકવાદીઓનો ઉદ્દેશ્ય સુરક્ષા દળોને ઉશ્કેરવાનો કે ભડકાવવાનો હોય છે અથવા તો લોકોમાં તેમનો ભય પેદા કરવાનો હોય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. સુરક્ષા એજન્સીઓએ એક જ મહિનામાં મોટી સંખ્યામાં આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર્યાં છે. આ ઉપરાંત ટાર્ગેટ કિલીંગની ઘટનાઓને અટકાવવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યાં છે.