Site icon Revoi.in

ગુજરાતમાં પ્રથમવાર મહેસાણામાં નવતર પ્રયોગ, 51 બાળકો અને 24 પરિવારોને 4 NGOએ દત્તક લીધા

Social Share

અમદાવાદઃ મહેસાણાના જિલ્લા કલેકટર એમ.નાગરાજન તથા અન્ય અધિકારીઓ અને સમાજ સેવીઓની ઉપસ્થિતિમાં ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન અંતર્ગત મહેસાણાના 51 બાળકો અને 24 પરિવારોને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે એક સામાજિક ભાગીદારીનો નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર અને કલેકટર એમ.નાગરાજન અને સભ્ય સચિવ જિલ્લા બાળ સુરક્ષા એકમ સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી આરતીબેન બોરીચાના સંયુકત પ્રયાસથી આજરોજ CISS PORTAL પર નોંઘાયેલા બાળકોમાંથી 24 પરિવારોના કુલ 51 બાળકોને દત્તક લઇ તેઓનો સર્વાગીં વિકાસ કરવાના હેતુસર કુલ 4 NGO સાથે બાળ સુરક્ષા એકમના MOU કરવામાં આવ્યા હતા.

ચાર NGOમાં લાયન્સ કલ્બ મહેસાણા,અક્ષયરથ ચેરીટેબલ ટ્રસ્ટ,GJ 2 વોલેન્ટીયર ગૃપ અને કવચ-9 સોસાયટીએ પહેલ કરી કુલ- 24 પરિવારોના કુલ- 51 બાળકોને દત્તક લઇ તેઓના જીવન ધોરણમાં સુધારો કરવા તેમજ માનસીક અને શારીરિક વિકાસમાં વધારો થાય તેવા પ્રયત્નો કરાશે. જેમાં બાળકોનાં આરોગ્યની સમયાંતરે ચકાસણી કરવી, શિક્ષણ સંબંધિત તમામ જરૂરીયાતો જેવી કે યુનીફોર્મ, ટ્યુશન ફી, સાહિત્ય અને સ્ટેશનરી, રમતગમતના સાધનો તેમજ પરિવારોના તમામ સભ્યોના જીવન વીમા લેવા તેમજ પરિવારોને જીવન જરૂરીયાતની વસ્તુઓ અને રોજગારી મળી રહે તેવા પ્રયત્નો કરવા ખાતરી આપેલ હતી.

કલેકટર એમ.નાગરાજને જણાવ્યું કે,આ એક સારો પ્રયોગ છે. જેના થકી સમાજથી વિખુટા પડી ગયેલા બાળકો અને પરિવારોને સમાજની મુખ્યધારામાં લાવી શકાશે. તેમજ તેમની ક્ષમતા નિર્માણ પણ કરી શકાશે.જે સંસ્થાઓ,વ્યક્તિઓ આ માનવ કલ્યાણના કાર્યમાં જોડાયા છે તે ખરેખર સરાહનીય કાર્ય છે. આ MOU એક વર્ષ માટે એટલે કે મે 2023 થી એપ્રિલ 2024 સુધી અમલી રહેશે.આ પ્રકારનો પ્રયાસ સમગ્ર ગુજરાતમાં પ્રથમ વાર મહેસાણા ખાતે કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભારત સરકાર દ્રારા Children Street Situations – CISS પોર્ટલ લોંચ કરવામાં આવેલ છે.CISS PORTAL પર નોઘાયેલા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુ આ પોર્ટલનો છે.