Site icon Revoi.in

બનાસકાંઠામાં શાળાના 574 બાળકોને ગંભીર બિમારી, હવે અમદાવાદમાં સારવાર મફતમાં કરાવાશે

Social Share

પાલનપુરઃ ગુજરાતમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળથી રાજ્યની શાળાઓના બાળકોની આરોગ્ય તપાસણી સમયાંતરે કરવામાં આવી રહી છે. જેમાં જે બાળકોને ગંભીર બિમારી હોય તો તેમને સરકારી ખર્ચે ઓપરેશન સહિતની સારવાર આપવામાં આવતી હોય છે. બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2022 દરમિયાન શાળા આરોગ્ય તપાસણીમાં કુલ 574 બાળકોને હૃદય, કિડની, કેન્સર સહિતની બિમારીઓ  જોવા મળી હતી. જેની સારવાર પાલનપુરમાં ઉપલબ્ધ ન હોય અમદાવાદની હોસ્પિટલોમાં વિનામુલ્યે કરવામાં આવશે. અને ઓપરેશન સહિતનો તમામ ખર્ચ સરકાર ભોગવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, અમીરગઢ, ભાભર, દાંતા, દાંતીવાડા, ડીસા, ધાનેરા, દિયોદર, કાંકરેજ, લાખણી, સુઈગામ, થરાદ, વડગામ અને વાવ તાલુકામાં આવેલી આંગણવાડી, પ્રાથમિક શાળાઓમાં આરોગ્ય વિભાગ દ્વારા શાળા આરોગ્ય તપાસણી  2022 અંતર્ગત 6,81,111 બાળકોના આરોગ્યની તપાસ કરી હતી. જે પૈકી હૃદય રોગના 372, કિડનીના 113, કેન્સરના 89, જન્મજાત બહેરાશના 43, થેલેસેમિયા 11, મોતિયો 19 અને ડાયાબિટીસના 49 બાળ દર્દીઓ સામે આવ્યા હતા. આ અંગે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એક રિપોર્ટ પણ સબમિટ કરવામાં આવ્યો હતો.  પ્રાથમિક તપાસ બાદ ખાસ કરીને હૃદય, કિડની અને કેન્સરની સારવાર અને ઓપરેશન માટે અમદાવાદ જવું પડે છે. જેનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. જ્યારે જન્મજાત બહેરાશ, ક્લબ ફુટ, કલેફ્ટ લીપ પેલેટ, થેલેસેમીયા, જન્મજાત મોતિયો, ડાયાબિટીસની સારવાર સ્થાનિક કક્ષાએ મફતમાં સારવાર કરવામાં આવશે. તબીબોના કહેવા મુજબ ખાનગી હોસ્પિટલમાં એક બાળકના હૃદય રોગની સારવાર માટે તપાસથી માંડી ઓપરેશન સુધી પાંચ લાખ સુધીનો ખર્ચ થાય છે. જિલ્લામાં હૃદય રોગના 372 બાળકો છે. જેમની પાછળ પાંચથી દસ કરોડ રૂપિયા ખર્ચ થાય જો કે તમામ ખર્ચ સરકાર ભોગવશે. વાલીઓને તબીબી ખર્ચ કરવો નહીં પડે.