Site icon Revoi.in

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં નવા 6.51 લાખ મતદારો પ્રથમવાર મતદાન કરશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. દરમિયાન ભારતના ચૂંટણી પંચે જાહેર કરેલી મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિમાં કુલ મતદારોની સંખ્યા 4.85 કરોડ થઇ છે. આ કુલ મતદારોમાં પ્રથમવાર મતાધિકાર મળ્યો હોય તેવા 18-19 વર્ષના મતદારોની સંખ્યા 6.51 લાખ છે. ગુજરાતમાં કુલ પુરુષ મતદારોની સરખામણીએ મહિલા મતદારોની સંખ્યામાં લગભગ સમાન છે.

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી અનુપમ આનંદના જણાવ્યા પ્રમાણે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમ્યાન 11.15 લાખ મતદારોનો નેટ વધારો થયો છે. યુવા મતદારોની સાથે 20 થી 29 વર્ષની વયના મતદારોની સંખ્યા 6.52 લાખ થઇ છે. આ યાદીમાં 2.51 કરોડ પુરૂષ મતદારો અને 2.33 કરોડ મહિલા મતદારો છે, જ્યારે ત્રીજી જાતિના મતદારોની સંખ્યા 1288 છે. ગુજરાતમાં ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ નવા ઉમેરાયેલા મતદારોની સંખ્યા 16.46 લાખ હતી પરંતુ તેની સામે કમી થયેલા મતદારોની સંખ્યા 5.31 લાખ છે જેથી મતદારોની સંખ્યામાં નેટ વધારો 11.15 લાખ થયો છે. આમ કુલ 4.84 કરોડ મતદારો મત આપવાનો અધિકાર ધરાવે છે.

ગુજરાતમાં ચાલુ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શકયતા છે. જેને લઈને રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ અઢી કરોડ પુરુષ મતદારો છે પરંતુ તેની સરખામણીએ મહિલા મતદારો પણ 2.33 કરોડ જેટલી છે.