Site icon Revoi.in

દેશમાં કોરોનાના નવા 692 પોઝિટિવ કેસ નોંધાયાં, 6 વ્યક્તિના થયા મોત

Social Share

નવી દિલ્હીઃ દેશમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ સફાળુ જાગ્યું છે અને કોરોનાનું સંક્રમણ વધારે ના ફેલાય તે દિશામાં પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન 24 કલાકમાં કોરોનાના નવા 692 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આમ દર કલાકે કોવિડ-19ના નવા 28 કેસ નોંધાય રહ્યાં છે. આમ દેશમાં કોવિડના એક્ટિવ કેસની સંખ્યા વધીને 4097 ઉપર પહોંચી છે. જ્યારે દેશમાં કોવિડને કારણે છ લોકોના મોત થયાં છે. મહારાષ્ટ્રમાં બે, કર્ણાટક, દિલ્હી, કેરલ અને પશ્ચિમ બંગાળમાં એક-એક દર્દીનું મોત થયું હતું.

આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, ભારતમાં અત્યાર સુધીમાં કોવિડના કુલ 4.50 કરોડ જેટલા કેસ નોંધાયા છે. જે પૈકી 5.33 લાખ વ્યક્તિઓના મોત થયાં છે. જ્યારે ઓમિક્રોનના સબ વેરિએન્ટ જેએન.1ના અત્યાર સુધીમાં 109 કેસ નોંધાયાં છે. સબ વેરિએન્ટ જેએન.1નો પ્રથમ કેસ કેરલમાં નોંધાયો હતો. દિલ્હીના આરોગ્ય મંત્રી સૌરભ બારદ્વાજએ જણાવ્યું કે, દિલ્હીમાં જેએન.1નો પ્રથમ કેસ સામે આવ્યો હતો. દિલ્હીમાંથી 3 સેમ્પલ જીનોમ સિકેંસિંગ માટે મોકલવામાં આવ્યા હતા. જે પૈકી એકમાં જેએન.1ની પુષ્ટી થઈ હતી. જ્યારે બેમાં ઓમિક્રોન વેરિએન્ટ મળ્યો હતો. 52 વર્ષની મહિલાનો જેએન.1 વેરિએન્ટની પુષ્ટી થઈ છે. મહિલાને ચારેક સપ્તાહ પહેલા જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહિલાને કોરોનાના સામાન્ય લક્ષણો જણાયા હતા. તેને ખાંસી અને શ્વાસ લેવાની સમસ્યા હતી જેથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

દેશમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો.મનસુખ માંડવિયા દ્વારા કોરોનાની પરિસ્થિતિને લઈને ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી હતી. જેમાં તમામને સાબદા રહેવાની તાકીદ કરવામાં આવી હતી. તેમજ દેશમાં કોરોનાના પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે ટેસ્ટીંગ વધારવા માટે તાકીદ કરી છે.