Site icon Revoi.in

ગુજરાતમાં શિક્ષણ વિભાગમાં DEO, DPEO સહિત ઉચ્ચ અધિકારીઓની 79 જગ્યાઓ ખાલી,

Social Share

ગાંધીનગરઃ રાજ્ય શિક્ષણ વિભાગમાં મહત્વની ગણાતી ઉચ્ચ અધિકારીઓની અનેક જગ્યાઓ ખાલી છે. જેમાં રાજ્યમાં વર્ગ-1ના શિક્ષણ નિયામક, સંયુક્ત શિક્ષણ નિયામક, નાયબ નિયામક, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી સહિતના અધિકારીઓની કુલ 138માંથી માત્ર 59 જગ્યા જ ભરાયેલી છે જ્યારે 79 જગ્યાઓ ઉપર ઘટ પ્રવર્તી રહી છે. ઉચ્ચ અધિકારીઓની ઘટને પગલે મહત્ત્વના નિર્ણયો લેવામાં પણ વિલંબ થઇ રહ્યો હોવાનું કહેવાય છે. ત્યારે નવ નિયુક્ત ભાજપની સરકાર આ અંગે સત્વરે નિર્ણય લે તેવી માગ ઊઠી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં શિક્ષણ  નિયામકની 5 જગ્યા સામે 1 ભરેલી છે 4 ખાલી છે, સંયુક્ત શિક્ષણ  નિયામકની 15 જગ્યા સામે 8 ભરેલી અને 7 ખાલી છે, નાયબ નિયામકની 18 જગ્યા સામે 11 ભરેલી અને 7 ખાલી છે. જ્યારે ડીઈઓ અને ડીપીઈઓ સહિતની કેડરની કુલ 100 જગ્યા સામે માત્ર 39 ભરેલી અને 61 જગ્યા ખાલી છે. આમ શિક્ષણ વિભાગમાં ઉચ્ચ અધિકારીઓની 58 ટકા જેટલી જગ્યા ખાલી છે. શિક્ષણ વિભાગમાં મહત્વની જગ્યાઓ ખાલી હોવાથી નિર્ણયો લેવામાં વિલંબ થઈ રહ્યો છે. અને ફરજ બજાવતા અધિકારીઓ પર કામનું ભારણ વધતું જાય છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્રના 5 જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નથી, 3 જિલ્લામાં DEO નથી અને 3 જિલ્લામાં DEO (જિલ્લા શિક્ષણાધિકારી) અને DPEO (જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી) બંને નથી. રાજકોટ જિલ્લામાં ડીઈઓ છે ડીપીઈઓ નથી. દ્વારકામાં ડીઈઓ નથી, પોરબંદરમાં DPEO નથી, જૂનાગઢમાં DEO નથી, અમરેલીમાં DEO નથી, ભાવનગરમાં DEO નથી, બોટાદમાં DPEO નથી અને સુરેન્દ્રનગરમાં પણ DPEO નથી. જ્યારે સોમનાથ, જામનગર અને મોરબી જિલ્લામાં DEO અને DPEO બંનેની જગ્યા ખાલી છે. રાજકોટ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણાધિકારીની જગ્યા ખાલી છે. હાલ જિલ્લા શિક્ષણ અધિકારી પ્રાથમિક શિક્ષણાધિકારીના ચાર્જમાં છે. આ ઉપરાંત ડીઇઓ અન્ય જિલ્લાના અધિકારીઓના પણ ચાર્જ હોવાના કારણે શૈક્ષણિક અને વહીવટી નિર્ણયો લેવામાં મુશ્કેલીની સ્થિતિ છે.