મુંબઈ, 30 માર્ચ 2026: મધ્ય-પૂર્વ (મિડલ-ઈસ્ટ) માં ચાલી રહેલા ભીષણ તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે 8 ભારતીય નાગરિકો સુરક્ષિત રીતે આર્મેનિયા થઈને મુંબઈ પરત ફર્યા છે. વતન પરત ફરેલા નાવિકોએ ઈરાનની જેલમાં વિતાવેલા 50 દિવસો અને મિસાઈલ હુમલાઓ વચ્ચે કાપેલા રસ્તાની કંપારી છૂટી જાય તેવી આપવીતી વર્ણવી છે.
ઈરાનથી પરત ફરેલા ઓઈલર મસૂદ આલમે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે તેમને 50 દિવસ સુધી ઈરાનની જેલમાં રહેવું પડ્યું હતું. મસૂદે કહ્યું, “અમારા પરિવારના સભ્યો ખૂબ જ ચિંતિત હતા. અમે દુબઈથી જોડાયા હતા અને યમનમાં ડીઝલ ઉતારીને પાછા આવી રહ્યા હતા ત્યારે આ આફત આવી પડી.”
મસૂદે જણાવ્યું કે, “અમે ઈરાન પાસે હતા અને અન્ય એક જહાજની મદદ માટે જઈ રહ્યા હતા. અચાનક નેવી આવી અને તેમણે અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. બ્રિજ (જહાજનું કંટ્રોલ રૂમ) પર સતત ફાયરિંગને કારણે કોઈ ત્યાં જઈ શકતું નહોતું. અમે એન્જિનમેન હોવાથી તાત્કાલિક એન્જિન બંધ કરીને જહાજને ત્યાં જ અટકાવી દીધું. ત્યારબાદ નેવીના જવાનો જહાજ પર આવ્યા અને અમને ગન પોઈન્ટ પર લઈને એક મેસમાં પૂરી દીધા.”
મસૂદના જણાવ્યા મુજબ, જેલમાં શારીરિક યાતના આપવામાં આવી નહોતી, પરંતુ નેટવર્ક ન હોવાને કારણે તેઓ પરિવારથી સંપૂર્ણપણે કપાઈ ગયા હતા, જે માનસિક રીતે ખૂબ જ પીડાદાયક હતું. જેલમાંથી મુક્ત થયા બાદ તેઓ એક હોટલમાં રોકાયા હતા, પરંતુ ત્યાં પણ મુસીબતો ઓછી ન થઈ. તેમણે જણાવ્યું કે, “જેલમાંથી બહાર નીકળ્યાના થોડા સમય બાદ અમે જ્યાં રોકાયા હતા ત્યાં બોમ્બમારો શરૂ થઈ ગયો હતો.”
યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી બચવા માટે 5 મિત્રોએ મળીને 300 ડોલર ખર્ચીને એક ટેક્સી બુક કરી હતી. આ ટેક્સી સતત 24 કલાક ચાલતી રહી અને તેમણે આશરે 2800 કિલોમીટરનું જોખમી અંતર કાપીને સુરક્ષિત સ્થળે પહોંચ્યા હતા. મસૂદે આ કપરા સમયમાં ભારતીય દૂતાવાસ અને ભારત સરકાર દ્વારા મળેલા સહયોગ બદલ આભાર માન્યો હતો. તેમણે ઉમેર્યું કે, “પોતાના દેશમાં પાછા આવીને આજે ખૂબ જ સારું લાગી રહ્યું છે.”

