Site icon Revoi.in

કોરોનાના દર્દીઓને ત્વરિત મદદ મળી શકે તે માટે 80 મે. ટન ઓક્સિજન મુંદરા પોર્ટમાં ઊતરશે

Social Share

ભુજ  : કોરોનાના કેસ વધતા દેશભરમાં ઓક્સિજનની માગમાં ભારે વધારો થયો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોને ઓક્સિજનની તંગીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડવામાં વિદેશની અનેક ખાનગી કંપનીઓની મદદ પણ મળી રહી છે, જેના ભાગરૂપે સાઉદી અરેબિયા 80 મેટ્રિક ટન લિક્વિડ ઓક્સિજન મોકલી રહ્યું છે, જે કચ્છના ખાનગી ક્ષેત્રના સૌથી મોટા મુંદરા સ્થિત અદાણી બંદર ઊતરશે. આ જહાજી વ્યવહાર અદાણી ગ્રુપ અને લિન્ડે કંપનીના સહકારથી શક્ય બન્યો છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સાઉદી અરેબિયાથી જહાજ રવાના થયું ત્યારે આ દેશની ભારતીય એલચી કચેરીએ ટ્વિટ કરીને જાણકારી આપતાં લખ્યું હતું કે, ભારતીય રાજદુતાલય અદાણી જૂથ અને લિન્ડે કંપનીના સહયોગ બદલ ગૌરવ અનુભવે છે. જેની અતિ આવશ્યકતા ઊભી થઇ છે એ લિક્વિડ ઓક્સિજનનો 80 મેટ્રિક ટન જથ્થો પહોંચાડાઇ રહ્યો છે. સાઉદી અરેબિયાના સ્વાસ્થ્ય વિભાગનો મદદ અને સહકાર બદલ આભાર પણ માનવોમાં આવ્યો છે. અને બંદર પરથી રવાના થયેલા ટેન્કરોની તસવીરો મૂકવામાં આવી હતી.

જેના પ્રતિભાવમાં અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ ટ્વિટ કરીને કહ્યું કે, આભાર, રિયાધની એલચી કચેરી. શબ્દો કરતાં કાર્ય ઊંચા અવાજે બોલે છે. અમે સમગ્ર વિશ્વમાંથી ઓક્સિજનનો તાત્કાલિક પુરવઠો મેળવવાના મિશનમાં કાર્યરત છીએ. 80 ટન ઓક્સિજન સાથેનું ચાર આઇએસઓ ટેન્કનું પહેલું શિપમેન્ટ (પરિવહન) દમામથી મુંદરા આવવા માર્ગમાં છે. આ સિવાય ગૌતમ અદાણીએ ટ્વિટ કરી હતી કે, ટેન્ક ઉપરાંત લિન્ડે કંપની સાઉદી અરેબિયાથી વધુ 5000 મેડિકલ ગ્રેડ ઓક્સિજન સિલિન્ડરની પણ આયાત કરશે. જે ઝડપથી ભારતને મોકલાશે. હું સાઉદી અરબના ભારતીય રાજદૂત ડો. ઔસાફનો મદદ માટે આભાર માનું છું.