Site icon Revoi.in

ધોરણ 10 બોર્ડનું 83.86 ટકા પરિણામ, ગત વર્ષ કરતાં 1.30% વધારે

result of standard 10 board

result of standard 10 board

Social Share

ગાંધીનગર, 6 મે, 2026 – ધોરણ 10 બોર્ડનું પરિણામ આજે બુધવારે જાહેર થઈ ગયું છે. આ વર્ષે ધો. 10નું 83.86 ટકા પરિણામ આવ્યું છે જે ગત વર્ષ કરતાં 1.30% વધારે છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા જાહેર કરાયેલા ધોરણ-10 SSC પરીક્ષાના પરિણામમાં આ વર્ષે કુલ 83.86% વિદ્યાર્થીઓ સફળ જાહેર થયા છે. પરીક્ષામાં વિદ્યાર્થિનીઓ ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરતાં 88.28% પરિણામ સાથે વિદ્યાર્થીઓ કરતાં આગળ રહી છે. જિલ્લાવાર પરિણામમાં નર્મદા જિલ્લો 90.85% પરિણામ સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 76.42% નોંધાયું છે.

ક્યાં જોશો તમારું પરિણામ?

બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર પરિણામ જોઈ શકાય છે. તે સિવાય વ્હોટસએપ નંબર પરથી પણ પરિણામ જાણી શકાય છે. રાજ્યના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપી હતી, જેઓ હવે ઓનલાઈન માધ્યમથી પોતાનું પરિણામ જોઈ શકશે.

90.85 ટકા સાથે નર્મદા જિલ્લો ટોચ ઉપર

જિલ્લાવાર પરિણામમાં નર્મદા જિલ્લો 90.85 ટકા  સાથે રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું પરિણામ સૌથી ઓછું 76.42 ટકા આવ્યું છે. કેન્દ્રવાર પરિણામમાં ગાંધીનગર જિલ્લાના આજોલ કેન્દ્રે 100 ટકા પરિણામ મેળવી ટોચનું સ્થાન હાંસલ કર્યું હતું. દાહોદ જિલ્લાના મુનખોસલા કેન્દ્રનું પરિણામ 33.74 ટકા સાથે સૌથી છેલ્લે રહ્યું છે.

આ વર્ષે કુલ 7,56,392 નિયમિત વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 6,34,327 વિદ્યાર્થીઓ સફળ જાહેર થયા છે. રાજ્યમાં 1,697 શાળાઓએ 100 ટકા પરિણામ નોંધાવ્યું છે, જ્યારે 39 શાળાઓનું પરિણામ શૂન્ય ટકા રહ્યું છે. માધ્યમ મુજબ અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.50 ટકા અને ગુજરાતી માધ્યમનું પરિણામ 82.67 ટકા નોંધાયું છે. નાપાસ વિદ્યાર્થીઓ માટે જૂન-2026માં પૂરક પરીક્ષા યોજાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ના ધોરણ 10 (SSC) ના વિદ્યાર્થીઓ માટે પ્રોવિઝનલ માર્કશીટ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ હોય છે. ઓનલાઈન માર્કશીટ ડાઉનલોડ કર્યા પછી, વિદ્યાર્થીઓએ તેમાં દર્શાવેલ તમામ વિગતોની ચોકસાઈપૂર્વક તપાસ કરવી અનિવાર્ય છે.

ગુણચકાસણી અને પૂરક પરીક્ષા

બોર્ડની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ, વિદ્યાર્થીઓને અસલ ગુણપત્રક અને પ્રમાણપત્ર શાળાઓમાં ક્યારે મોકલવામાં આવશે તેની જાણકારી હવે પછી આપવામાં આવશે. પરિણામ બાદ જો કોઈ વિદ્યાર્થીને પોતાના ગુણમાં કોઈ શંકા હોય અને ગુણચકાસણી (Rechecking) કરાવવી હોય, તો તે માટે પણ ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ ઉપરાંત, જે વિદ્યાર્થીઓના નામમાં કોઈ સુધારો હોય કે જેઓ પૂરક પરીક્ષા 2026 આપવા માંગતા હોય, તે અંગેના ફોર્મ ભરવાની વિગતો અને સૂચનાઓ પણ ટૂંક સમયમાં બોર્ડની વેબસાઈટ પર અપડેટ કરવામાં આવશે. શાળાના આચાર્યો, વાલીઓ અને વિદ્યાર્થીઓને આ સમય અને સૂચનાઓની ખાસ નોંધ લેવા ગુજરાત બોર્ડ દ્વારા વિનંતી કરવામાં આવી છે.

ટોપ ગ્રેડમાં મોટો ઉછાળો

આ વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. વર્ષ 2025માં 6.20 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેની સામે વર્ષ 2026માં 6.34 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ ઉપરાંત GSOS પરિણામમાં સુધારો જોવા મળ્યો છે. ગત વર્ષ 27.18 ટકા હતું જે આ વખતે 28.22 ટકા આવ્યું છે. આ વર્ષે 100 ટકા પરિણામ ધરાવતા કેન્દ્રોમાં પણ વધારો થયો છે. 2025માં 1574 કેન્દ્રો હતાં જે આ વખતે વધીને 1697 થયાં છે. A1 ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ આ વખતે વધી છે. 2025માં 28055 વિદ્યાર્થીઓ હતાં જે આ વખતે 35508 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે.

Exit mobile version