Site icon Revoi.in

ઉનાળાની કાળઝાળ ગરમીના આગમન પહેલા જ શાકભાજીના ભાવમાં 10થી 20 ટકાનો વધારો,

Social Share

અમદાવાદ: ફાગણ મહિનાના પ્રારંભથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોંચી ગયો છે. ગરમીમાં વધારો થતાં ગામડાંમાંથી આવતા શાકભાજીની આવકમાં પણ ઘટાડો થયો છે. તેના કારણે કેટલાક શાકભાજીના ભાવમાં વધારો થયો છે. શહેરના એપીએમસી માર્કેટમાં  આદુના ભાવ હાલ આસમાને પહોંચ્યા છે. ઉપરાંત લીંબુ, મરચાં, વાલોર, બટાકા જેવા શાકભાજી પણ મોંઘા થયા છે. જ્યારે ગુવાર, વાલોર, ગાજર, ટામેટા જેવા શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો છે. તેમજ ચોળી, વટાણા, કારેલા, ડુંગળીના ભાવમાં કોઈ બદલાવ જોવા મળ્યો નથી. એક અઠવાડિયા પહેલાના અને હાલના શાકભાજીના ભાવમાં 10 થી 20 ટકાનો વધારો-ઘટાડો જોવા મળી રહ્યો છે.

અમદાવાદ એપીએમસી માર્કેટમાં આદુ 128 રૂપિયા પ્રતિ કિલો, ચોળી 110 રૂપિયા પ્રતિ કિલો, લીંબુ 110 રૂપિયા પ્રતિ કિલો, ગુવાર 80 રૂપિયા પ્રતિ કિલો, મરચા 70 રૂપિયા પ્રતિ કિલો, તુવેર 60 રૂપિયા પ્રતિ કિલો, કારેલા અને વટાણા 50 રૂપિયા પ્રતિ કિલો, વાલોર 50 રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયા છે. જ્યારે બટાકા અને ડુંગળી 18 રૂપિયા પ્રતિ કિલો, ગાજર 16 રૂપિયા પ્રતિ કિલો તથા ટામેટા 15 રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો છે. અઠવાડિયા પહેલા આદુ 120 રૂપિયા પ્રતિ કિલો, ચોળી 110 રૂપિયા પ્રતિ કિલો, લીંબુ 90 રૂપિયા પ્રતિ કિલો, ગુવાર 90 રૂપિયા પ્રતિ કિલો, મરચા 60 રૂપિયા પ્રતિ કિલો, તુવેર અને વાલોર 55 રૂપિયા પ્રતિ કિલો, કારેલા અને વટાણા 50 રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો હતો. જ્યારે બટાકા 14 રૂપિયા પ્રતિ કિલો તથા ડુંગળી, ગાજર અને ટામેટા 18 રૂપિયા પ્રતિ કિલો ભાવ નોંધાયો હતો. આમ શાકભાજીના ભાવમાં ગત સપ્તાહની તુલનાએ વધારો જોવા મળી રહ્યો છે. જો કે જથ્થાબંધના ભાવ છે છૂટક માર્કેટમાં વધુ ભાવ જોવા મળી રહ્યા છે.

શાકભાજીના સ્થાનિક વેપારીઓના કહેવા મુજબ શાકભાજીના ભાવમાં થતી વધ-ઘટ કેટલાક પરિબળોના લીધે જોવા મળે છે. જેમાં વાતાવરણમાં થતા ફેરફાર, સિંચાઈના પાણીની જરૂરિયાતો, શાકભાજીની ક્વોલિટી અને જથ્થો, આયાત-નિકાસનો ખર્ચ, ટ્રાન્સપોર્ટેશન ચાર્જ તેમજ અન્ય વધારાનો ખર્ચને આધારે શાકભાજીના ભાવ નક્કી થાય છે. ઉનાળામાં તાપમાન વધશે  તેમ અન્ય શાકભાજીના ભાવ પણ વધુ ઊંચકાવાની શક્યતા છે.